
ગુજરાતમાં પ્રભાસ પાટણ સ્થિત આવેલુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર એ કરોડો સનાતનીઓની આસ્થાનું પ્રતિક છે. તેને મહમુદ ગઝની સહિતના વિદેશી આક્રમણકારો દ્વારા અનેકવાર તોડવામાં આવ્યુ પરંતુ જે ખુદ અનંત, અવિનાશી, અચળ અને મહામૃત્યુંજય છે તેવા ભગવાન શિવ પ્રત્યેની આસ્થાને આક્રાંતાઓ તોડી ન શક્યા. આજે મહમુદ ગઝનીએ મંદિર પર કરેલા હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા છે અને સરદાર પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો નવેસરથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તેને પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યુ છે.આ શૌર્ય ગાથાના સ્વાભિમાન પર્વ નિમીત્તે હાલ સોમનાથ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે. હાલ સોમનાથનું અડીખમ મંદિર સ્વયં જાણે પોતાની શૌર્ય ગાથા અને ઈતિહાસને વર્ણવતુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે..
ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત આવેલ સોમનાથ મંદિર એ ભારતીય સંસ્કૃતિનું આદિ અનાદિકાળથી પ્રતિક રહ્યુ છે. 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવુ સોમનાથ મંદિર કેટલુ પૌરાણિક છે તેન અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ મંદિરને સૌપ્રથમ કોણે બંધાવ્યુ તેના વિશે પણ ચોક્કસ માહિતી મળતી નથી. અલગ અલગ સમયગાળામાં તેનો ઉલ્લેખ મળી આવે છે. સ્કંદ પુરાણા, શિવ પુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. જ્યારે કાલિદાસના પ્રખ્યાત નાટક અભિજ્ઞાન શાકુંતલમ નાટકમાં પણ તેની વાત કરાઈ છે.
આ મંદિર વિશે એક એવી પણ માન્યતા છે કે ચંદ્રદેવને રાજા દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો. આ શ્રાપમાંથી મુક્ત થવા માટે તેમણે શિવજીનું અનુષ્ઠાન કર્યુ હતુ. શ્રાપમાંથી મુક્ત થયા બાદ ચંદ્રએ આ મંદિર બંધાવ્યુ હતુ. એક માન્યતા એવી પણ છે કે ચંદ્રનો અર્થ સોમ થાય છે, આથી જ તેનુ નામ સોમનાથ પડ્યુ હોઈ શકે છે. હજારો વર્ષોથી આ મંદિર એક અતિ પ્રાચીન તીર્થ તરીકે જાણીતુ છે. અનેક રાજાઓ અને ભાવિકોએ તેને બંધાવવામાં યોગદાન આપ્યુ છે તો આક્રમણકારોએ તેને ખંડિત લૂંટવામાં અને ખંડિત કરવામાં પણ કોઈ કસર છોડી નથી. વર્ષ 1951માં તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એ પહેલા 7 વખત આ મંદિરને તોડવાના અને ફરી બંધાવવાના પુરાવા મળે છે.
ઈ.સ. પૂર્વે 470માં ભટ્ટારક નામના એક સેનાપતિએ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને સ્વતંત્ર જાહેર કર્યો અને ગુપ્ત રાજાઓથી પોતાને અલગ કરી મૈત્રક વંશની સ્થાપના કરી. આ મૈત્રક રાજાએ જ 470 સદી આસપાસ સોમનાથ મંદિરને બનાવ્યુ હતુ. જેના 250 વર્ષ બાદ આરબોએ આ વિસ્તાર પર કબજો કરી ભારે લૂંટફાટ મચાવી હતી. એ લૂંટફાંટ દરમિયાન સોમનાથ મંદિરને પણ ઘણુ નુકસાન થયુ અને સંપૂર્ણપણે મંદિર ધ્વસ્ત થઈ ગયુ.
ઈતિહાસકારોના અનુસાર મંદિર પહેલેથી જ જર્જરીત હાલતમાં હતુ અને જાતે જ ધ્વસ્ત થઈ ગયુ હતુ. કોઈ આક્રમણને કારણે ધ્વસ્ત થયુ ન હતુ. ત્યારબાદ 8 મી અને 9મી સદી દરમિયાન મંદિરને ફરી બનાવવામાં આવ્યુ. આ સમયે મંદિરને બંધાવવાનું કામ સૌરાષ્ટ્રના ચાલુક્ય વંશના રાજાઓએ કર્યુ. આ મંદિર માટે કિંમતી લાલ બલવા પથ્થરોનો ઉપયોગ કરાયો હતો. આ સમયે મંદિર એટલુ સુંદર બન્યુ હતુ કે તેની દૂર દૂર સુધી ચર્ચા થતી હતી. લોકોની વચ્ચે આ જગ્યા સોમનાથ મંદિરને કારણે પ્રસિદ્ધિ પામી હતી. જે બાદ 11મી સદી સુધી મંદિર તેના સ્થાને અડીખમ રહ્યુ હતુ.
ગઝનીએ ભારત પર જે સૌથી મોટો જે હુમલો કર્યો તે સોમનાથ પરનો હુમલો હતો. સોમનાથ તે દિવસોમાં ગુજરાતમાં એક મોટું શહેર હતું. ગઝનીએ સોમનાથની અમીરી વિશે ખૂબ સાંભળ્યું હતું. આથી તેણે આ જગ્યાને પણ લૂંટવાની યોજના બનાવી. વર્ષ 1025માં તેણે સોમનાથ પર હુમલો કર્યો. એ સમયે પણ સોમનાથ મંદિર હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર સ્થાનક હતું અને સમગ્ર ભારતમાંથી લોકો અહીં આવતા હતા અને અનેક પ્રકારના ચઢાવો ચઢાવતા હતા. એટલું જ નહીં, અનેક રાજા-મહારાજાઓ પણ આ મંદિરને અનેક પ્રકારનું દાન આપતા હતા.
ગઝનીએ જાણ્યુ કે લોકો મંદિરોમાં ખૂબ કિંમતી ભેટો ચડાવે છે. ત્યારે તેણે સોમનાથ મંદિરને લૂંટવાની યોજના બનાવી અને બહુ બર્બરતાથી લૂંટી લીધું. તેણે ઇસ્લામ ફેલાવવાનો ડોળ કર્યો જેથી મુસ્લિમ ઉલેમાઓ તેની સાથે ઉભા રહી શકે, કારણ કે તે સમયે તેઓ ખૂબ શક્તિશાળી હતા. આવુ સાબિત કરવા જ તેણે સોમનાથ મંદિરમાં રહેલી ભગવાન શિવની મૂર્તિઓ તોડી નાખી, હિન્દુ ધર્મનો ભદ્દી રીતે મજાક ઉડાવ્યો અને પોતાને બુતશિકન કહેવાનું શરૂ કર્યું. માત્ર ખૂંખાર આક્રાંતા જ નહીં, પરંતુ અનેક ઇસ્લામિક ઉલેમાઓ અને મૌલાનાઓનો સૌથી પ્રિય જેહાદી પણ બની ગયો. પરંતુ ગઝનીની રુચિ ધર્મ કરતાં વધુ ધન-દૌલતમાં હતી અને આ દૌલત તેને મંદિરો પર હુમલો કરીને મળતી હતી.
સોમનાથ પરનો મહમુદ ગઝનીનો એ સમય સુધીનો સૌથી મોટો હુમલો હતો. સોમનાથ શહેરમાં તેણે 8 દિવસ સુધી હથિયારોના જોરે લૂંટફાંટ અને કત્લેઆમ મચાવી. મંદિરનો અને સમગ્ર શહેરનો તમામ ખજાનો લૂંટી લીધા બાદ પણ તેનુ મન ન ધરાયુ તો તેણે મંદિરને આગને હવાલે કરી દીધુ. આ લૂંટફાંટમાં માત્ર મંદિરો જ નહોંતા લૂંટાયા પરંતુ શહેરોમાં હિંદુઓની ઘાતકી હત્યા પણ કરવામાં આવી હતી. ગજનીની સેનાએ 50 હજાર જેટલા હિંદુઓની કતલેઆમ કરી હતી. એવુ પણ કહેવાય છે કે ગઝનીએ 17 વખત આ સોમનાથ પર ચડાઈ કરી હતી.
સોમનાથનો ઇતિહાસ અહીં જ નથી અટક્તો, આ મંદિર ફરી એકવાર બેઠુ થયુ. આ વખતે માળવાના પરમાર વંશના રાજા ભોજે આ મંદિરને બંધાવ્યુ. જો કે થોડા વર્ષો ગયા બાદ ફરી વર્ષ 1298માં દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ આ મંદિરને ધ્વસ્ત કરી નાખ્યુ. જે બાદ વર્ષ 1360 માં જુનાગઢના રાજા મહિપાલ દેવએ આ મંદિરને ફરી બંધાવ્યુ. અત્યાર સુધીમાં 6 વખત મંદિરને તોડવામાં આવ્યુ હતુ અને ફરી નિર્માણ કરવામાં આવ્યુ હતુ. મહિપાલ દેવએ પણ ખૂબ સુંદર મંદિર બંધાવ્યુ હતુ પરંતુ સોમનાથ મંદિરના નસીબમાં હજુ એકવાર પોતાનુ પતન લખાયેલુ હતુ. હજુ આ મંદિરે એક વિધ્વંસ નો સામનો કરવાનો બાકી હતો.
વર્ષ 1469માં અમદાવાદના સુલતાન મહેમુદ બેગડાએ આ મંદિરને ફરી ધ્વસ્ત કરી દીધુ અને ફરી એકવાર મંદિર બનાવવાની જરૂરિયાત ઉભી થઈ. ત્યારબાદ 16મી સદીમાં અકબરના સમયે આ મંદિરને ઠીક કરવામાં આવ્યુ. જો કે આ જ અકબરની ત્રીજી પેઢીના કટ્ટર બાદશાહ ઓરંગઝેબે વર્ષ 1706માં મંદિરમાંથી મસ્જિદ બનાવી નાખી અને સમય રહેતા આ જગ્યા વેરાન ખંડેરમાં ફેરવાઈ ગઈ. તેના લગભગ 76 વર્ષ બાદ 1783માં ઈન્દોરના મરાઠા મહારાણી અહલ્યાબાઈ હોલકરે દેશના તમામ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે તેમના એક મંત્રીને સોમનાથ મોકલ્યા અને આ જગ્યાની તમામ જાણકારી એક્ઠી કરી પરંતુ આ મંદિરની હાલત એટલી હદે ખરાબ હતી કે તેને એ જ સ્થાને ફરી નિર્માણ કરવાનું અશક્ય હતુ. આથી અહલ્યાબાઈ હોલકરે તેની બાજુમાં જ એક નવુ મંદિર બનાવ્યુ. આ મંદિર આજે અહલ્યા બાઈ મંદિર તરીકે જાણીતુ છે.
સાત સાત વાર વિધ્વંસ ઝેલી ચુકેલુ આ મંદિર પ્રત્યેની કરોડો સનાતનીઓની શ્રદ્ધાને, આસ્થાને કોઈ તોડી શક્યુ નથી અને તોડી શકશે પણ નહીં. આજે સોમનાથ મંદિર તેના જિર્ણોદ્ધાર બાદ ફરી એકવાર દિવ્ય અને સનાતન ધર્મની ગાથા પ્રગટ કરતુ ગૌરવભેર ઉભુ છે.
Published On - 8:41 pm, Fri, 9 January 26