વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાકાર કરતો ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” સોમનાથની ભૂમિ પર યોજાઇ રહ્યો છે, ત્યારે પહેલા દિવસે મદુરાઈથી આવેલ તમિલ બંધુઓ અને ભગીનીઓએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા અનુસાર બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન તેમજ સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો-Gujarati Video : મોરબીની જ્ઞાનપથ શાળાની બહાર આખલા બાખડ્યા, પાર્કિંગમાં 2 બાઇક અને 7 સાયકલનો કચ્ચરઘાણ
સોમનાથ મંદિરમાં યાત્રિકોએ કપર્દી વિનાયક ગણપતિજી મંદિર તથા કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન કરી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. જે પછી લાઈટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયન ખાતે સ્ક્રિન પર સોમનાથ મહાદેવની આરતીના દર્શન કરી અભિભૂત થયા હતા. તમિલ બાંધવોએ ખાસ અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ રસપૂર્વક માણ્યો તેમજ સ્ક્રિન પર સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતી ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી.
આ પહેલા સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઓડિટોરિયમ ખાતે ગુજરાતી અને તમિલ વિદ્યાર્થીઓ વચ્ચે ભાષા અને સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આજે વક્તા સાંઈરામ દવેએ પરંપરાઓ, જીવન પદ્ધતિ, ખાનપાન વગેરેના આદાન-પ્રદાન થકી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
સાંઈરામ દવેએ સૌરાષ્ટ્ર અને તમિલનાડુના આ સંગમ કાર્યક્રમને રામેશ્વર અને સોમનાથ જાણે એકબીજાને મળ્યા હોય તેમ લાગે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. ભાષા અને સંસ્કૃતિની આપ-લે સાથે શૈલી વિશે સમજાવતા સાંઈરામ દવેએ ગુજરાતી અને તમિલ ભાષામાં ગીત રજૂ કર્યું હતું.
દ્વિતીય વક્તા પ્રેમકુમાર રાવે હજાર વર્ષ પહેલા બોલાતી સૌરાષ્ટ્રની ભાષા, સૌરાષ્ટ્રી કે જે હાલ પણ સૌરાષ્ટ્ર તમિલ પરિવારોમાં બોલાય છે તેના વિશે એક સંશોધન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાષાકીય ઓળખ, તેના મૂલ્યો તે દરેક સમુદાયમા જુદા પડતા હોય છે, અનેક ભાષાઓ માત્ર જ્ઞાતિ કે સમુદાયમાં બોલાતી હોવાથી એ લુપ્ત થતી ભાષાઓ તરીકે જોવા મળે છે. સૌરાષ્ટ્રી પણ માત્ર સૌરાષ્ટ્ર તમિલોના પરિવારમાં બોલાતી ભાષા છે તે કોઈ રાજ્યભાષા ન હોવાના કારણે અને તેના પર તમિલની અસર હોવા સાથે આ ભાષા હવે લુપ્ત થતી જાય છે.
(વિથ ઇનપુટ-યોગેશ જોષી, ગીર સોમનાથ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…