ગુજરાતમાં સિંહો ગામમાં કેમ આવે છે? વધતી વસ્તી, વસવાટ દબાણ અને સંઘર્ષના કારણો

ગુજરાતમાં સિંહો માનવ વસ્તી તરફ કેમ આવી રહ્યા છે? વધતી સિંહ વસ્તી અને સીમિત વસવાટ મુખ્ય કારણો છે. યુવાન નર સિંહો નવા ક્ષેત્રો અને ખોરાકની શોધમાં જંગલ બહાર આવે છે.

ગુજરાતમાં સિંહો ગામમાં કેમ આવે છે? વધતી વસ્તી, વસવાટ દબાણ અને સંઘર્ષના કારણો
| Updated on: Aug 03, 2026 | 8:11 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સિંહો માનવ વસ્તી, ગામડાઓ અને શહેરોની નજીક વારંવાર જોવા મળી રહ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા જિલ્લાઓમાં સિંહોના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનાઓ એક ગંભીર સવાલ ઊભો કરે છે: આખરે સિંહો જંગલ છોડીને માનવ વસતી તરફ કેમ આવી રહ્યા છે? શું આ પાછળ માત્ર ખોરાકની શોધ છે કે પછી બદલાતું પર્યાવરણ અને વધતી માનવ દખલ પણ જવાબદાર છે?

સિંહોની વધતી વસ્તી અને સીમિત વિસ્તાર

સૌથી મુખ્ય કારણ સિંહોની વધતી વસ્તી અને તેના પ્રમાણમાં સીમિત રહેલો તેમનો કુદરતી વસવાટ વિસ્તાર છે. 1990માં ગુજરાતમાં સિંહોની સંખ્યા માત્ર 284 હતી. આજે આ આંકડો વધીને 891 પર પહોંચી ગયો છે, જે સિંહોના સંરક્ષણની સફળતા દર્શાવે છે, પરંતુ સાથે જ એક નવી સમસ્યા પણ ઊભી કરી છે. ગીર અને તેની આસપાસના જંગલની ક્ષમતા પર આ વધતી વસ્તીને કારણે દબાણ વધી રહ્યું છે. પરિણામે, સિંહો નવા વિસ્તારોની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે.

નવા ટેરિટરીની શોધ અને યુવાન નર સિંહોનું સ્થળાંતર

ખાસ કરીને યુવાન નર સિંહો નવા ટેરિટરી (ક્ષેત્ર) ની શોધમાં જંગલની બહાર નીકળી જાય છે. આ સિંહો ખોરાક, પાણી અને સંવર્ધન માટે યોગ્ય જગ્યાની શોધમાં માનવ વસાહતો સુધી પહોંચે છે. કુદરતી કોરિડોર મારફતે તેઓ નવા વિસ્તારોમાં સ્થળાંતર કરવાનું શરૂ કરી ચૂક્યા છે. કેટલીકવાર આ યુવાન નર સિંહોના કારણે માનવ વસ્તીમાં હુમલાની ઘટનાઓ પણ સામે આવે છે, જે ચિંતાનો વિષય છે.

શિકારની ઉપલબ્ધતા અને બદલાયેલું વર્તન

જંગલની બહારના વિસ્તારો, ખાસ કરીને ખેતી વિસ્તારો અને ઝાડીવાળા પ્રદેશોમાં પણ સિંહોને શિકાર સરળતાથી ઉપલબ્ધ થાય છે. પાલતુ પશુઓ અથવા અન્ય નાના વન્યજીવોના શિકારને કારણે સિંહો માટે આ નવા રહેણાંક વિસ્તારોમાં વસવાટ કરવાનું સરળ બન્યું છે. આ ઉપરાંત, પાણીની ઉપલબ્ધતા પણ સિંહોને માનવ વસાહતો નજીક ખેંચી લાવે છે.

વિકાસ અને માનવ દખલ

વિકાસના કાર્યો અને બદલાતા ભૂ-ઉપયોગ (જમીનના ઉપયોગ) ને કારણે પણ સિંહોની અવરજવર વધી છે. જંગલ સીમાઓની નજીક માનવીય દખલગીરી વધતી જાય છે, જેના કારણે સિંહો અને માનવીઓ વચ્ચેની સીમાઓ ધૂંધળી બની રહી છે. આ પરિસ્થિતિ હવે સિંહો માટે પણ એકદમ સામાન્ય બની ગઇ છે.

વિસ્તરણનો વ્યાપ

પહેલાં સિંહો ગીર પૂરતા સીમિત હતા, પરંતુ હવે તેમનું વિસ્તરણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ સહિતના નવા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. જૂનાગઢની આસપાસના તમામ વિસ્તારોને પણ સિંહોએ જાણે કે પોતાના વસવાટ માટે પસંદ કરી લીધા હોય તે પ્રકારે તેઓની વસ્તી ત્યાં પણ દેખાઈ રહી છે.

આ પરિસ્થિતિને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારવા માટે વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિંહોનું સંરક્ષણ અને માનવ જીવનની સુરક્ષા બંને સુનિશ્ચિત કરવા માટે લાંબાગાળાની યોજનાઓ અને જાગૃતિ કાર્યક્રમો આવશ્યક છે.

EPFOનો PF પર મોટો નિર્ણય! હવે પ્રોવિડન્ટ ફંડ માટેની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

Follow Us
Loading...
Unable to load recommendations.