સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ફર્યું તંત્રનું બુલડોઝર, 175 જેટલા ગેરકાયદે મકાનો કરાયા દૂર, હવે કરાશે ફેન્સિંગ- વીડિયો

|

Jan 27, 2024 | 11:34 PM

સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યુ અને ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો પર મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 175 જેટલા ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવ્યા છે અને હવે ખુલ્લી કરાયેલી જમીન પર ફેન્સિંગ કરવામાં આવશે.

સોમનાથમાં ફરી એકવાર તંત્ર દ્વારા ગેરકાયદે ઉભા કરી દેવાયેલા દબાણો પર તંત્રની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને ગેરકાયદે દબાણો પર મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી. ત્રણ મહિનાની અંદર સતત બીજીવાર અહીં દાદાનું બુલડોઝર ફરી વળ્યુ છે અને સોમનાથ મંદિર આસપાસ કરવામાં આવેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તંત્રની આ મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરાઈ છે.  આ અગાઉ ઓક્ટોબર મહિનામાં કરાયેલા ડિમોલિશન દરમિયાન પણ 27 થી વધુ વેપારના હેતુથી કરાયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા.

મંદિર આસપાસ કરાયેલા દબાણો દૂર કરાયા, ખુલ્લી કરાયેલી જમીન પર કરાશે ફેન્સિંગ

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી સતત યથાવત છે. આ અગાઉ દ્વારકામાં મોટા પાયે દબાણો હટાવવામાં આવ્યા હતા. જે બાદ સોમનાથમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસની જમીનમાં કાચા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. જેને હટાવવાની કામગીરી સવારથી જ શરૂ કરી દેવાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: જુનાગઢમાં કાળવા ચોકમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરી સવાલોના ઘેરામાં, મોટા માથાના ગેરકાયદે દબાણો કેમ નથી તોડાતા ?- વીડિયો

દબાણ કામગીરી પહેલા માનવીય અભિગમ રાખી લોકોને જરૂરી મદદ પણ કરવામાં આવી

કલેક્ટરના જણાવ્યા અનુસાર કામગીરી પહેલા અહીં રહેતા લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા માનવીય અભિગમ રાખી તેમને દરેક મદદ પણ કરવામાં આવી હતી. સરકારી જમીનો પર કરાયેલા તમામ દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. હવે આગળ જતા અહીં કોઈ નવા દબાણો ન ઉભા કરી દેવાય તેને ધ્યાને રાખી જમીન ફરતે ફેન્સિંગ કરી દેવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યુ હતુ.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:33 pm, Sat, 27 January 24

Next Article