તાલાળા ગીરમાં વિશ્વ વિખ્યાત કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે 18 એપ્રિલે કેસર કેરીની હરાજી શરૂ થશે. ગત વર્ષ કરતાં વહેલી હરાજી શરુ થવાની હોવા છતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેસર કેરીના હબ તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આગામી 18 એપ્રિલથી કેસર કેરીની હરાજી શરૂ થશે. દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલી હરાજી થવાની છે. વહેલી હરરાજીનું કારણ આગોતરી કેરીનું આગમન છે. આમ છતાં ઓછા ઉતારાની ભીતિ અને ભાવના કારણે ખેડૂતો ચિંતિત છે. તેમ છતા સારી સ્વાદીષ્ટ કેસર કેરી 700 થી 1000ની વચ્ચે મળી રહે તેવી ધારણા છે.
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે કોઈ વર્ષ ન થયું હોય તેવું આ વર્ષ જોવા મળી રહ્યું છે. આ વર્ષે ચાર તબક્કે આંબા પર મોર આવ્યા હતા. પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી ગઈ હતી. જો કે કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે કેટલાક મોર ખરી કે બળી ગયા હતા, તો કેરી પર કરા પડવાને કારણે તે ખરી ગઈ હતી.
હવે બીજા તબક્કાની કેસર બજારમાં આવવા લાગી છે. આથી તાલાળા એપીએમસીમાં કેસર કેરીની સત્તાવાર હરાજી પણ એક સપ્તાહ વહેલી થવા જઈ રહી છે. સરેરાશ એપ્રિલની 23 થી 25 તારીખ વચ્ચે તાલાળા એપીએમસીમાં કેસરની હરાજી શરૂ થતી હોય છે. આ વર્ષ કેસરના આગોતરા આગમનને લઈને 18 એપ્રિલથી હરાજી શરૂ થશે, એમ તાલાળા યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે.
હરાજી દરમિયાન આંબા વાડિયાના માલિકો પોતાની કેરીનો ઉતારો લાવીને વેચી શકે એ માટેની વ્યવસ્થાનું સુચારૂ આયોજન પણ કરાઈ રહ્યું છે. વર્તમાન વર્ષે કેરીનો ઉતારો ઓછો હોવાથી હવે મુહૂર્તના દિવસે કેટલા બોક્સની આવક થાય છે, તેના પર સૌની મીટ મંડાઈ છે.
ગત વર્ષની તુલનાએ આ વર્ષ ત્રણ ગણું આંબા પર ફલાવરિંગ આવ્યું હતું. કેરીનું ઉત્પાદન પણ મબલખ થવાની ધારણા હતી. પરંતુ રોગ જીવાતે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતમાંથી માંડ છુટકારો મળ્યો તો કમોસમી વરસાદ અને કરાના કારણે તાલાળા પંથકના અનેક ગામડાઓમાં કેસરનો પાક બરબાદ થઈ ગયો. ત્યારે હવે 18 એપ્રિલથી હરાજી શરુ થનારી હરાજી બાદ કેસર કેરીના રસિકો તેનો સ્વાદ માણી શકશે.
(વિથ ઇનપુટ-યોગેષ જોષી, ગીર સોમનાથ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…