ગીર સોમનાથમાં(Gir somnath) સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક ગામો પાણી-પાણી થઇ ગયા હતા. મોટા ભાગના તાલુકાઓમાં વરસાદને (Rain)પગલે ખેડૂતોને રાહત મળી હતી પરંતુ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ગીર સોમનાથમાં ધામરેજ, વાવડી ગામ પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગીર સોમનાથના કોડિનારમાં હાઇવે પર પણ પાણી ભરાઇ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી હતી. ગીરસોમનાથમાં સોમનાથ-કોડીનાર હાઈવે ઉપર વરસાદને પગલે આજે પણ માર્ગ બંધ છે.
પુલનું કામ ચાલું હોવાથી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ તેના પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દઈને ડાયવર્ઝન આપી દેવાયું છે. જેના કારણે વાહનચાલકોને બીજા રસ્તેથી વધારે અંતર કાપવા મજબૂર થવું પડે છે પરિણામે સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થાય છે. આ તરફ ઉનાની વાત કરીએ તો ઉના સહિત વેરાવળ અને ડભોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને જિલ્લામાં ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઉના નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયો છે. દ્રોણેશ્વર ડેમ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. જોકે આ વરસાદેરાહત તો આપી જ છે, પરંતુ સાથે સાથે અનેક વિસ્તારો અને હાઈ-વે પર પણ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું.
વેરાવળના ઇન્દ્રોઇ-નાવદ્રા મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા અને મોટાભાગના રસ્તા પાણીમાં ગરકાવ જોવા થતા મળ્યા હતા. આ તરફ વેરાવળ બાયપાસ નજીકની ગંભીરા સોસાયટી સતત બીજા દિવસે પણ બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ગીરસોમનાથના ઉના તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને મધરડી ગામે માત્ર 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. જોકે સાર્વત્રિક મેઘમહેરથી ધરપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો.જ્યાં ધામળેજ ગામમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા તો ગામમાં નવો જ બનાવેલો પાણીનો ટાંકો જમીનદોસ્ત થઈ ગયો હતો અને રોડ રસ્તા બિસ્માર થઈ ગયા હતા.