પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં ઠંડક પણ પ્રસરાવી રહ્યું છે. સોમનાથ (Somnath) ટ્રસ્ટની કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ દ્વારા મંદિરનું તાપમાન બહારના તાપમાનથી 6 થી 7° ઠંડુ રહે છે. વાતાવરણમાં દૂષિત વાયુ છોડનાર AC નહિ પરંતુ વિજ્ઞાનના નિયમોના ઉત્તમ ઉપયોગથી કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ ઠંડક કરે છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા સોમનાથ મંદિરમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી.
ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે સાથે ધોમધગતો તડકો જાણે કે આગ વરસાવી રહ્યો છે. ત્યારે વેકેશનનો લાભ લેવા લોકો પર્યટનમાં તો નીકળે છે પરંતુ ગરમીને કારણે તેઓની મજા ફિકી થાય છે. પણ આ ઉનાળાના રણમાં શીતળતાની અમીવર્ષા સોમનાથમાં થઈ રહી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર દેશ વિદેશના ભક્તો માટે દર્શનીય સ્થાન છે. ત્યારે સોમનાથ આવનારા ભક્તો જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સોમનાથ મહાદેવની દિવ્ય શાંતિની સાથે સાથે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ એલ સર્ક્યુલેશન વ્યવસ્થાને કારણે અદ્વિતીય શીતળતા પણ પ્રાપ્ત કરે છે.
સોમનાથ મંદિરના સ્થાપત્ય અને વિજ્ઞાનના દબાણના ભૌતિક નિયમોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ વડે સોમનાથ મંદિરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર કરતાં સાત ડિગ્રી જેટલું નીચું લાવવામાં સફળતા મળી છે. સાથે જ મંદિરના તમામ નિકાસ દ્વાર પર એર કરટેન દ્વારા અંદરની હવા બહાર ન જાય અને શીતળ વાતાવરણ બન્યું રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શનમાં LIfE એટલે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટની દિશામાં કામ કરે છે. સોમનાથ મંદિર એન્વાયરમેન્ટલ ડિસ્ચાર્જ પર ઝીરોએ પહોંચ્યું છે.
મંદિરની અંદર સામાન્ય એર કન્ડિશનર ઉપયોગ કરીને પણ ઠંડક મેળવી શકાઇ હોત, પરંતુ વાતાવરણની અંદર દૂષિત વાયુ છોડતા એર કન્ડિશનરનો ઉપયોગ ટાળીને સોમનાથ ટ્રસ્ટે યાત્રીઓને ઠંડક મળે, પરંતુ પર્યાવરણનું રક્ષણ પણ થાય તે માટે ચિંતન કરીને કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ લગાવ્યું છે. જેનો લાભ આવનાર શ્રદ્ધાળુઓને મળી રહ્યો છે.
દેશ વિદેશમાંથી આવનાર ભક્તો બપોરની ગરમી વચ્ચે મંદિરની અદભુત શીતળતાનો અનુભવ કરી પ્રસન્નતા વ્યક્ત કરે છે અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આવી અદભુત વ્યવસ્થા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરે છે.
(with input-Yogesh Joshi,Gir somnath)
ગીર સોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો