સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, સહિતના અધિકારીઓ,કર્મચારીઓ, અને બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.
માસિક શિવરાત્રીની આ પૂજા સવિશેષ એટલા માટે બની રહી હતી કારણકે 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલા પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સચિવ યોગેન્દ્ર દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા પૂજાના મુખ્ય યજમાન બનાવી અને અદકેરું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે જ્યોત પૂજન અને જ્યોત પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું.
માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર રાત્રિના 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રી પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. જેથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં “હર હર ભોલે, જય સોમનાથ”ના નાદ સાથે મહા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતા.
સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની આ મહાઆરતી શ્રદ્ધાળુઓને વિશેષ ઉર્જા અને અલભ્યતાનો અનુભવ થાય છે. રાત્રિના મહાઆરતી સમયે મંદિર સભા મંડપમાં તેમજ પરિસરમાં બહારના ભાગે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓ તાળીઓ સાથે શિવનામ સ્મરણમાં લીન થયા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્લોકરૂમ, શુ-હાઉસ, સિનિયર સિટીઝન માટે ગોલ્ફકાર્ટની સમય અવધી રાત્રિના 1 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવની મહા આરતીમાં અને અલભ્ય સ્વરૂપના દર્શન નિશ્ચીતપણે કરી શકે છે.
આપને જણાવી દઈએ કે રવિવારે (19.03.23) ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા આ દરમિયાન તેમણે સોમનાથ યાત્રા એપનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ.
ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ
આ પણ વાંચો: Gir Somnath : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમનાથ યાત્રા એપનું ઈ-લોકાર્પણ કર્યું, જાણો એપની વિશેષતાઓ
Published On - 9:56 am, Tue, 21 March 23