Gir Somnath : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર ખાતે ધ્વજા પૂજા, ગીતાજી પૂજન, ગીતાજીના પાઠ સાથે પુરુષોત્તમ માસનો પ્રારંભ કરાયો હતો. સમગ્ર માસ દરમિયાન સવારે ગીતાજીના પાઠ, અને સાંજે શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ કરાશે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થને હરિહર તીર્થના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણકે આ ભૂમિ પર પ્રથમ દેવાધિદેવ મહાદેવે ચંદ્રને શ્રાપ માંથી મુક્ત કરી શાંતિ આપી હતી, સાથેજ અહીથી પોતાની અંતિમ લીલાના દર્શન આપી પોતાના મનુષ્ય દેહનો ત્યાગ કરી સ્વધામ ગયા હતા.
ત્યારે સોમનાથ તીર્થમાં શિવત્વની સાથે સાથે શ્રીકૃષ્ણ ભક્તિનું પણ એટલુજ પુણ્યકારી મહાત્મય રહેલું હોય. શ્રી ગૌલોકધામ તીર્થ ને આધ્યાત્મિક મહત્વને ધ્યાને લઇને તીર્થમાં સમગ્ર પુરૂષોતમ માસમાં ભાવિકોને પરમ આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણની અનુભૂતિ થાય તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર માસ દરમિયાન ગીતાજીના પાઠ, શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે સોમનાથ તીર્થમાં પુરૂષોતમ માસના પ્રથમ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામમાં ભક્તિમય પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેહલી સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા, ચીફ એકાઉન્ટન્ટ અજય દુબે સહિત ટ્રસ્ટ પરિવાર અને ઋષિકુમારો દ્વારા શ્રી ગીતામંદિર ખાતે ધ્વજાજી અને ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાનું પઠન કરવાં આવ્યું હતું. જેથી સમગ્ર તીર્થમાં પવિત્ર ઊર્જાનો સંચાર થયો હતો. સમગ્ર પુરષોતમ માસ દરમિયાન ઋષિકુમારો દ્વારા ગીતા મંદિર ખાતે સવારે 8:00 વાગ્યાથી ગીતાજીના પાઠ દૈનિક કરવામાં આવશે.
આ સાથે સંધ્યા સમયે 5:30 વાગ્યે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે સંધ્યા સમયે ભાવિકોને શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠના શ્રાવણનો લાભ લઈ શકશે.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધિક માસ દરમિયાન ગોલોકધામ તીર્થમાં આવનાર ભાવિકોના પ્રવાહને ધ્યાને લઇને પરિસરમાં વિશેષ યાત્રી સુવિધાઓ કરવામાં આવી છે.
(With Input, Yogesh Joshi, Gir Somnath)
ગીરસોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો