Gir Conservation : ગુજરાતના સિંહોમાં ચેપી રોગોનો ખતરો વધ્યો, વહેલા નિદાન માટે સાંસદ પરિમલ નથવાણીની સરકારને અપીલ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોના CDV અને બેબીસિયા જેવા ચેપી રોગોથી થતા મૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

Gir Conservation : ગુજરાતના સિંહોમાં ચેપી રોગોનો ખતરો વધ્યો, વહેલા નિદાન માટે સાંસદ પરિમલ નથવાણીની સરકારને અપીલ
| Updated on: May 27, 2026 | 5:44 PM

ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસિયા જેવા ચેપી રોગોના કારણે થયેલા મોતને લઈને રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહપ્રેમી Parimal Nathwaniએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને તાત્કાલિક અસરથી પગલાં લેવા અપીલ કરી છે, જેથી સિંહોના આરોગ્યનું રક્ષણ થઈ શકે અને સંભવિત રોગચાળો વધુ ફેલાતો અટકાવી શકાય.

Parimal Nathwani એ કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી Bhupender Yadav તેમજ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી Arjun Modhwadiaને પત્ર લખીને ગિર વિસ્તારમાં સિંહોના મોત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગિર અને આસપાસના વિસ્તારોમાં એશિયાઈ સિંહોની વધતી સંખ્યા સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમોમાં પણ વધારો થઈ રહ્યો છે.

તેમણે જણાવ્યું કે CDV અને બેબીસિયા જેવા ચેપી રોગો સિંહોની વસતિ માટે લાંબા ગાળે મોટો ખતરો બની શકે છે. આવા રોગોના વહેલા નિદાન અને સમયસર સારવાર માટે ફિલ્ડ લેવલે મોનીટરીંગ અને રિપોર્ટિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

વેટરનરી ટીમ માટે ખાસ “Field Observation Protocol” અમલમાં મૂકવાની ભલામણ

પરિમલ નથવાણી એ વન વિભાગના ટ્રેકર્સ, બીટ ગાર્ડ, રાઉન્ડ સ્ટાફ અને વેટરનરી ટીમ માટે ખાસ “Field Observation Protocol” અમલમાં મૂકવાની ભલામણ કરી છે. સિંહોમાં અસામાન્ય વર્તન, શારીરિક નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ, ટિક્સનો ભારે ઉપદ્રવ, અસ્થિર ચાલ અથવા દિશાભ્રમ જેવા લક્ષણોનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે તેવી પણ તેમણે અપીલ કરી છે.

તેમણે સૂચન કર્યું છે કે જો એક જ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન લક્ષણો જોવા મળે તો તેને “હાઈ એલર્ટ” તરીકે ગણવામાં આવે અને તાત્કાલિક વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમ તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવે. સાથે જ દરેક શંકાસ્પદ કેસમાં સ્થળ, સમય, GPS લોકેશન, સિંહોની સંખ્યા, ઉંમર, વર્તન અને ફોટોગ્રાફિક રેકોર્ડ રાખવાની પણ જરૂરિયાત દર્શાવી છે.

CDV નો ચેપ ખાસ કરીને કૂતરાઓ મારફતે ફેલાવાની શક્યતા

આ ઉપરાંત, મૃત અથવા ગંભીર રીતે બીમાર સિંહોના કિસ્સામાં બિનઅધિકૃત હેન્ડલિંગ ટાળવા અને નક્કી કરેલી SOP મુજબ કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી છે. CDV નો ચેપ ખાસ કરીને કૂતરાઓ મારફતે ફેલાવાની શક્યતા હોવાને કારણે આસપાસના ગામોમાં કૂતરાઓના રસીકરણ અને ટિક નિયંત્રણ કાર્યક્રમો ચલાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.

પરિમલ નથવાણી એ લાંબા ગાળાના ઉકેલ તરીકે નિયમિત હેલ્થ મોનીટરીંગ, ઝડપી લેબ ડાયગ્નોસ્ટિક સુવિધા અને ફિલ્ડ સ્ટાફ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ કરવાની પણ જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમના મતે, બેબીસિયા જેવી બીમારીઓ સિંહોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે, જેના કારણે CDV જેવા વાયરસજન્ય ચેપ વધુ ઘાતક બની શકે છે. તેથી બંને રોગોને પરસ્પર જોડાયેલા જોખમ તરીકે ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, જુઓ Video 

Follow Us