ગીર સોમનાથના (Gir Somnath) એક યુવકનો વિદેશની એક યુવતી સાથે ફેસબૂકના માધ્યમથી પાંગરેલો પ્રેમ હવે સપ્તપદીના વચનોમાં બંધાયો છે. ગીર સોમનાથના બલદેવ નામના યુવકે એલીઝાબેથ નામની વિદેશી યુવતી સાથે હિંદુ સંસ્કૃતિ (Hindu culture) મુજબ ધામધૂમથી લગ્ન કર્યા છે. માત્ર ફેસબૂકના માધ્યમથી થયેલી વાતચીતથી અમેરિકામાં રહેલી એલિઝાબેથે ગુજરાતના (Gujarat) યુવક બલદેવ સાથે આખુ જીવન વિતાવવાનો નિર્ણય લઈ લીધો છે.
વિધિના લેખ કોઈ બદલી શકતુ નથી એવી એક કહેવત છે. આ કહેવત ગીર સોમનાથમાં એક યુવક સાથે સાર્થક થતી જોવા મળી રહી છે. તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહીરે સાત સમુદ્ર પાર અમેરિકા સ્થિત યુવતી સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે. પોતાની પ્રેમ કહાની અંગે બલદેવ આહીર જણાવ્યુ કે મેં બીએસસી અને બાદમાં લંડન જઈને એમબીએનો અભ્યાસ કર્યો છે. 2014માં લંડનથી પરત સ્વદેશ આવ્યા બાદ અહીં જોબ કન્સ્લટન્સીનો વ્યવસાય કરૂ છું.
2019માં ફેસબુક સાઈટ પર સર્ચ દરમ્યાન અમેરિકા સ્થિત એલીઝાબેથ નામની યુવતીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જેના ઘણા દિવસો બાદ રીકવેસ્ટ એકસેપ્ટ કરતા મેં મેસેન્જરમાં તેને મેસેજ કર્યો હતો. જેનો રીપ્લાય આવતા અમારા વચ્ચે સામાન્ય વાતચીત શરૂ થઈ હતી. જે પછી અમે વોટ્સએપથી એકબીજાના વધુ સંપર્કમાં આવ્યા હતા.
છ માસના સમયગાળા દરમિયાન બંને વચ્ચે અભ્યાસ અને પરિવાર સહિતના લોકોની વાચતીત થઈ હતી અને ધીમે ધીમે આ બંને વચ્ચે લાગણીઓ વધવા લાગી હતી. થોડા સમય બાદ બલદેવે એલીઝાબેથ માટે રહેલી પ્રેમની લાગણી વ્યકત કરી હતી. ત્યારે એલિઝાબેથે બલદેવ પાસે અહીંની રહેણી-કહેણી, સંસ્કૃતિ સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માગ્યો હતો. થોડા સમય બાદ એલિઝાબેથે પણ બલદેવ પ્રત્યેની લાગણી વ્યકત કરી હતી. બાદમાં બંનેએ પોત પોતાના પરીવારજનોને આ અંગે વાત કરી હતી. ત્યારબાદ બંનેના પરિવારજનો પણ લગ્ન કરાવવા માટે સહમત થયા હતા. બાદમાં એલીઝાબેથે બલદેવ સાથે લગ્ન કરવાનું નકકી કર્યુ.
આ અંગે યુવકના બહેન નિર્મળાએ જણાવ્યુ હતુ કે ”અમને ભાઈએ વાત કરી ત્યારે અમે એક જ વાત કહી કે તારી ખુશીમાં અમારી ખુશી છે. જ્યારે અમે એલીઝાબેથ સાથે વાતચીત કરી, ત્યારે તેણીએ જણાવ્યુ કે હું બલદેવ સાથે લગ્ન કરી તેને અમેરિકા લઈ જાવ તો તમારી માતાનું શું? આ સવાલે તેણીમાં રહેલી અખૂટ લાગણીઓનો પરીચય કરાવ્યો હતો. જેથી અમે લગ્ન માટે સહમતિ આપી હતી. એલીઝાબેથમાં પરિવાર ભાવનાની લાગણી અપરંપાર છે. જેની અમને અનુભુતિ થઈ રહી છે.
વર્તમાન સમયમાં જ્યારે સોશિયલ મીડિયાની સાઈટો ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, એવા સમયે ગીર પંથકના યુવાનની ફેસબૂકના માધ્યમથી શરૂ થયેલી મિત્રતા પ્રેમમાં અને ત્યાંથી આગળ વધીને દાંપત્ય જીવન સુધી પહોંચી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની આ સહકારી બેંક સહીત ત્રણ બેંકોને RBI એ લાખોનો દંડ ફટકાર્યો, શું ગ્રાહક તરીકે તમારા ઉપર પડશે કોઈ અસર?
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો