ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી

ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજ સંકટ પર ધ્યાન દોરતા જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી. ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા હતી. જેના કારણે વીજળી સપ્લાયમાં સમસ્યા આવી અને ખેડૂતોને તેનો ભોગ બનવુ પડ્યુ.

ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી
Kanu desai (File Image)
| Edited By: | Updated on: Mar 26, 2022 | 8:04 AM

વીજ કાપની સમસ્યાથી ગુજરાત (Gujarat)ના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો (Farmers)ને પૂરતા પ્રમાણમાં વીજળી (Electricity) નહિ મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કનુ દેસાઇ (Kanu Desai)એ જાહેરાત કરતાં કહ્યું છે કે આજથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે. અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી અપાશે. ખેડૂતોને પુરતો વીજ પુરવઠો પૂરતો મળે તેની વ્યવસ્થા થશે. જરૂર જણાશે તો ઉદ્યોગોને અપાતા વીજ પુરવઠામાં કાપ મુકીને ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવશે.

ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજ સંકટ પર ધ્યાન દોરતા જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી. ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા હતી. જેના કારણે વીજળી સપ્લાયમાં સમસ્યા આવી અને ખેડૂતોને તેનો ભોગ બનવુ પડ્યુ. જો કે હવે ખેડૂતોને આ સમસ્યામાંથી રાહત અપાશે.

આ પહેલા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમજ દરેકને વીજળી મળે તેવો સરકારનો પ્રયાસ છે. તેમજ તેની માટે સરકાર મોંધી વીજળી ખરીદવા માટે તૈયાર છે. જીતુ વાઘાણીએ તે સમયે જણાવ્યુ હતુ કે તેમણે નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ સાથે પણ વાત કરી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની તેમણે ખાતરી આપી હતી.

ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે અંતરના કારણે સમસ્યા

બીજી તરફ ખેડૂતોને વીજળી આપવાનો વાયદો થયો પરંતુ વીજળી મળતી નથી. એ વાતનો UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે સ્વીકાર કર્યો છે. એન્જિનિયર તેજસ મજમુદારે સ્વીકાર્યું કે, છેલ્લા 4 મહિનાથી ખેડૂતોને વીજળીની સમસ્યા છે.. તેમનું કહેવું છે કે ગાંધીનગરના UGVCL અંતર્ગત એકમોમાં કોઈ વીજકાપ નથી પરંતુ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના અંતરના કારણે આ સમસ્યા ઉભી થઈ છે.

આ પણ વાંચો-

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, ગુજરાતમાં હાલ હીટવેવની સંભાવના નહીં

આ પણ વાંચો-

Jamnagar: INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નેવીના 150 જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન