USFDAના ડેલીગેશને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી હતી.બે દિવસીય રેગ્યુલેટરી ફોરમની બેઠક માટે ગુજરાત આવેલ USFDA ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલ સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન ફુડ ટેસ્ટિંગ અને તેમાં ઉભરી રહેલી ટેકનોલોજી અને ટેસ્ટીંગ પધ્ધતિના આધુનિકરણ સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલી ફુડ ટેસ્ટીંગ વાનની પહેલ તેમજ ફુડ ટેસ્ટીંગ લેબની કામગીરી,મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ગુજરાતની વિવિધ કામગીરી તેમજ સંલ્ગન વિષયો સંદર્ભે ડેલીગેશનને માહિતગાર કર્યા હતા.ડેલીગેશને ગુજરાત FDCAના વિવિધ સ્ત્રોત, બેસ્ટ પ્રેક્ટિસ, ટેસ્ટીંગ લેબની માળખાકીય સુવિધાઓ અને ટેસ્ટીંગ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે , 12 અને 13 જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે.જેમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે.
આ સૌજન્ય મુલાકાતમાં USFDAના ડૉ. સારાહ મેકમુલન, કન્ટ્રી ડિરેક્ટર, ગ્રેગરી સ્મિથ, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત, ફિલ ગુયેન, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત ધ્રુવ શાહ, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર ડો.સુધીન્દ્ર કુલકર્ણી, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર તથા FDCA અને ગુજરાતના અધિકારીઓ સહભાગી બન્યા હતા.
સૌ પ્રથમ વર્ષ 2010માં USFDAના બ્રુસ રોઝ, કન્ટ્રી ડાયરેક્ટર સૌ પ્રથમ વાર ગુજરાત FDCAની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ “FDCA ગુજરાત-USFDA રેગ્યુલેટરી ફોરમ” બંને સંસ્થાઓ વચ્ચે નોલેજ શેરીંગ, ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ અને ઇનફોર્મેશન શેરીંગ કરવાના હેતુ અર્થે રચના કરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ એડવાન્સમેન્ટ અને અન્ય કાયદાકીય સંબંધિત માહિતીની ચર્ચા માટે બંને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે ત્રિમાસિક બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇંસ્પેકશનમાં ગુજરાત FDCAના અધિકારીઓ ભાગ લેશે તે બાબતે ચર્ચા વિચારણા થશે. આ રીતે બંને સંસ્થાઓના અધિકારીઓ વચ્ચે ટેકનીકલ જ્ઞાનનું આદાન-પ્રદાન કરશે. જે અન્વયે તેઓ સહજાનંદ લેસર ટેકનોલોજી લિ., ગાંધીનગરની મુલાકાત લેશે કે જે ભારતની અગ્રણ્ય કાર્ડિયાક સ્ટેન્ટ-મેડીકલ ડિવાઇસની ઉત્પાદન કરતી કંપની છે.