ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા ડીજીપીને લઇને હવે ચર્ચાઓનો દોર શરૂ થયો છે. અગાઉ રાજ્યના DGP આશિષ ભાટિયાનો (DGP Ashish Bhatia) કાર્યકાળ લંબાવાયો હતો, તેમનો કાર્યકાળ 31 મે 2022એ જ પુર્ણ થયો હતો. પરંતુ તેમને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન આપવામાં આવ્યુ હતુ. જે પછી તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરી સુધી રાજ્યના પોલીસ વડા તરીકે લંબાવાયો હતો. હવે આ કાર્યકાળ પૂરો થવાનો છે. ત્યારે નવા DGPને લઇને 3 નામો ચર્ચામાં છે.
ગુજરાતના નવા ડીજીપીને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. 31 જાન્યુઆરીએ ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આશિષ ભાટિયાના ઉત્તરાધિકારી તરીકે 3 નામો ચર્ચામાં છે. સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, અજય તોમરના નામની ચર્ચા છે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ છે. સૌથી સિનિયર સંજય શ્રીવાસ્તવ એપ્રિલ મહિનામાં નિવૃત થઇ રહ્યા છે. સરકાર ઇચ્છે તો સંજય શ્રીવાસ્તવને 3 મહિના માટે DGPનો ચાર્જ આપી શકે છે. ચૂંટણી પહેલા ગુજરાત સરકારે કેન્દ્રને 6 નામ મોકલ્યા હતા.
તમને જણાવી દઈએ કે, IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે. ગુજરાતના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી. જે પછી તેમનો કાર્યકાળ પુરો થવાનો હતો ત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયાનો કાર્યકાળ ગુજરાત પોલીસ વડા તરીકે લંબાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનો કેસ આશિષ ભાટિયાએ માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 26 જુલાઈ 2008એ અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને SITની ટીમે ભેગા થઈ બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલ્યો હતો અને 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા.આ ઉપરાંત અમદાવાદમાં 2008માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.ત્યારે આશિષ ભાટિયાએ મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા.
(વિથ ઇનપુટ- મિહિર ભટ્ટ, અમદાવાદ)