જાપાન (Japan) ની ઓટોમોબાઈલ કંપની (Automobile company) સુઝુકી મોટર કોર્પોરેશન (Suzuki Motor Corporation) 2026 સુધીમાં ગુજરાતમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો (electric vehicles) અને BEV બેટરીના ઉત્પાદન માટે 150 બિલિયન યેન (આશરે રૂ. 10,445 કરોડ)નું રોકાણ કરશે. કંપનીએ આ અંગે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
જાપાનની ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “19 માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા.
ફોરમને સંબોધતા, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રતિનિધિ નિયામક અને પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, “સુઝુકીનું ભાવિ મિશન નાની કાર સાથે કાર્બન તટસ્થતા હાંસલ કરવાનું છે. અમે આત્મનિર્ભર ભારત માટે અહીં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. એમઓયુ હેઠળ, કંપનીની સંપૂર્ણ માલિકીની કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ 2026 સુધીમાં SMCની હાલની ફેક્ટરી પાસે BEV બેટરીના ઉત્પાદન પ્લાન્ટ પર રૂ. 7,300 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, SMC 2025 સુધીમાં BEV મેન્યુફેક્ચરિંગની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 3,100 કરોડનું રોકાણ પણ કરશે. અન્ય જૂથ કંપની, મારુતિ સુઝુકી ટોયોત્સુ ઈન્ડિયા પ્રાઈવેટ લિ. (MSTI) 2025 સુધીમાં વાહન રિસાયક્લિંગ પ્લાન્ટના નિર્માણ પર રૂ. 45 કરોડનું વધુ રોકાણ કરશે.
ગયા વર્ષે નવેમ્બરમાં, MSTI, મારુતિ સુઝુકી અને ટોયોટા સુશો ગ્રૂપ વચ્ચેના સંયુક્ત સાહસે ઉત્તર પ્રદેશના નોઈડામાં વાહનોને તોડી પાડવા અને રિસાયક્લિંગની કામગીરી શરૂ કરી હતી. આ સુવિધા 10,993 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. અહીં વાર્ષિક ધોરણે 24,000 વાહનો સ્ક્રેપ અને રિસાયકલ કરી શકાય છે.
મારુતિ સુઝુકી, SMCની ભારતીય શાખા, 2025 સુધીમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે વર્તમાન ભાવે મોટા પાયા પર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ શક્ય નથી.
મારુતિ સુઝુકીએ 2019માં તેની વેગન આર કાર પર ઇલેક્ટ્રિક વાહનનું પરીક્ષણ કર્યું હતું. કંપનીએ તેને 2020માં લોન્ચ કરવાનો ઈરાદો રાખ્યો હતો, પરંતુ બાદમાં તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
જાપાનના વડા પ્રધાન કિશિદાએ શનિવારે જાહેરાત કરી હતી કે જાપાન આગામી પાંચ વર્ષમાં ભારતમાં 5,000 અબજ યેન (રૂ. 3,20,000 કરોડ)નું રોકાણ કરશે. બંને દેશોએ ઇલેક્ટ્રિક વાહનો, સ્ટોરેજ સિસ્ટમ્સ જેવા ક્ષેત્રોમાં ક્લીન એનર્જી પાર્ટનરશિપ (CEP) સહયોગની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસનો આક્ષેપઃ ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો અને કાળા બજારિયાઓને રાજકીય આશ્રય આપી રહી છે
Published On - 4:55 pm, Sun, 20 March 22