રાજ્યમાં અત્યારે શિક્ષણ પર રાજનીતિ (Politics) ગરમાયેલી છે. એક તરફ દિલ્હી (Delhi) ની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સરકારના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ જીતુ વાઘાણીના જ મતવિસ્તાર એવા ભાવનગરની બે સ્કૂલો (schools) ની મુલાકાત લીધી અને ગુજરાત મોડલની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો. તો બીજી તરફ ભાજપ (BJP) એ પણ તેમના જ શબ્દોમાં જવાબ આપવાની કોશિશ કરી હતી અને દિલ્લી મોડેલની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના સાંસદોએ બે સ્કૂલોની મુલાકાત લઇને દિલ્હી સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા.
ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ગુજરાતના શિક્ષણ અંગેના નિવેદન બાદ ગુજરાતની સ્કૂલોની અને દિલ્હીની સ્કૂલોની તૂલના કરવા દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જીતુ વાઘાણીના મતવિસ્તાર એવા ભાવનગરની બે સ્કૂલોની મુલાકાત લીધી. સ્કૂલોની મુલાકાત દરમિયાન શાળાનું બાંધકામ, પ્રાથમિક સુવિધા અને ખંડેર બનેલા સરકારી શાળાના ઓરડાં પર ચિંતા વ્યક્ત કરી. તો સ્કૂલમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ સાથે વાત કરી. સાથે જ રાજ્યની ભાજપ સરકારે 27 વર્ષના શાસનમાં શિક્ષણ માટે શું કર્યું તેવા સવાલ પણ પૂછ્યા હતા.
એક તરફ દિલ્હીથી મનિષ સિસોદિયા ગુજરાત આવ્યા તો બીજી તરફ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા અને રમેશ બિધૂરીએ દિલ્હીની સ્કૂલોમાં રિયાલિટી ચેક કર્યું. ભાજપના બંને સાંસદોએ દિલ્હીના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં રહેલી ખામીઓને ઉજાગર કરી. સાથે જ દિલ્હી સરકારના દાવાઓની પણ પોલ ખોલી હતી અને દિલ્હી સરકાર માત્ર ખોટી વાહવાહી લૂંટી રહ્યાનો દાવો કર્યો હોવાનું કહ્યું હતું. જોકે મનિષ સિસોદિયાએ વળતો પ્રહાર કર્યો અને ભાજપના સાંસદો, દિલ્હીની સ્કૂલોમાં ખામી શોધવામાં નિષ્ફળ રહ્યાનો દાવો કર્યો હતો.
આમ શિક્ષણ મુદ્દે રાજનીતિ ગરમાઇ રહી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓના આવા અવનવા હથકંડાઓ જોવા મળે તો ચોંકતા પણ નહીં, પરંતુ શરત એક જ છે કે શિક્ષણ મુદ્દે તંદુરસ્ત રાજનીતિ થાય તે જરૂરી છે. નેતાઓ ખામીઓ ભલે શોધે, પરંતુ તેને દૂર કરવાનો પ્રયાસ પણ થાય અને સુવિધાનો સરવાળો તથા ખામીઓની બાદબાકી કરીને, ગરીબ વિદ્યાર્થીઓનું હિત પણ જોવાય તે જરૂરી છે.
આ પણ વાંચોઃ Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે સરઢવ ગામમાં પહોંચી પ્રભાતફેરીમાં જોડાયા
આ પણ વાંચોઃ Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:14 am, Tue, 12 April 22