ગૌણ સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય: સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા

ગૌણ સેવા મંડળે ટોલ ફ્રી નંબર જાહેર કરીને ઉમેદવારોને અપીલ કરી છે કે અસામાજિક કે લેભાગુ તત્વો દ્વારા નોકરીની લાલચ આપી નાણા ઉઘરાવવાની કોશીશ કરવામાં આવે તો સાવચેત રહેવું અને જાગૃત નાગરિક તરીકે પોલીસ ફરિયાદ કરવા તથા મંડળનું ધ્યાન દોરવું.

ગૌણ સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય: સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા
EXAM (Symbolic Image)
| Edited By: | Updated on: Apr 22, 2022 | 8:55 AM

હવે સરકારી ભરતી પરીક્ષા (government recruitment examination) માં ગેરરીતિ (irregularities) આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી પરીક્ષા (examination) નહીં આપી શકે. ગેરરીતિ આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી ગેરલાયક ઠરશે. સરકારી ભરતીમાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 24 એપ્રિલે યોજાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવાર ત્રણ વર્ષ માટે તમામ સરકારી ભરતીમાં ગેરલાયક ઠરશે. એટલું જ નહીં ગેરરીતિ આચરનાર ઉમેદવાર સામે ફોજદારી ફરિયાદ પણ થઇ શકે છે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ ડિવાઇસ પર પ્રતિબંધ મુકાયો છે.

પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ચાલુ કે બંધ હાલતમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશાવ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉમેદવારોએ આ પ્રકારના સાધનોને પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની જવાબદારીએ રાખવાના રહેશે. ગૌણ સેવા મંડળે ઉમેદવારોને એવી પણ અપીલ કરી છે કે અસામાજિક કે લેભાગુ તત્વો દ્વારા નોકરીની લાલચ આપી નાણા ઉઘરાવવાની કોશીશ કરવામાં આવે તો સાવચેત રહેવું અને જાગૃત નાગરિક તરીકે પોલીસ ફરિયાદ કરવા તથા મંડળનું ધ્યાન દોરવું. આ માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 2019માં બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યાની ભરતી માટે પરીક્ષા જાહેર કરી હતી. આ પરીક્ષાની તારીખના થોડા દિવસ અગાઉ શૈક્ષણિક લાયકાતમાં સરકારે સુધારો કરતા આંદોલન થયું હતું જેના પગલે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. તે પછી યોજાયેલી પરીક્ષામાં પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2022માં આ પરીક્ષા યોજવાની જાહેરાત કરાઇ હતી પરંતુ ચેરમેન અસિત વોરાના રાજીનામાને કારણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા રદ કરાઇ હતી. હવે 24મીએ આખરે આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે 10.45 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.

આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટયાર્ડ ફરી વિવાદમાં સપડાયું, સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો