Gujarati NewsGujaratGandhinagarImportant decision of CM Bhupendra Patel in larger interest of students National Education Policy 2020
Gandhinagar : ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતમાં CM ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કેવા થશે ફેરફાર અને ક્યારથી બનશે અમલી, જુઓ Video
નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે શિક્ષણ ક્ષેત્રે કેટલાક મહત્વના નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં,
ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.
ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.