ભાજપનો (BJP)કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ હાર્દિક પટેલે (Hardik patel )જણાવ્યું હતું કે હું અહીં રાષ્ટ્ર સેવા માટે આવ્યો છું અને મોટું મન રાખીને આ સેવા કાર્ય કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ પણ મોટું મન રાખે.
આજે હાર્દિક પટેલ કમલમ ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપમાં જોડાયા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરીશ હું અહીં રાષ્ટ્ર સેવા માટે આવ્યો છું અને મોટું મન રાખીને આ સેવા કાર્ય કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ પણ મોટું મન રાખે. તેમજ હાર્દિક પટેલે ભાજપમાં જોડાયા બાદ વિવિધ મુદ્દે નિવેદન આપ્યું હતું અને ખાસ તો પાટીદાર આંદોલન તેમજ આનામત આંદોલનમાં શહિદ થયેલા યુવાનો અંગે જણાવ્યું હતું કે આ યુવાનોને ન્યાય મળશે. સાથે જ આંદોલન અંગે હાર્દિકે કહ્યું કે અમે પૂરી તાકાતથી સરકાર સામે લડ્યા હતા અને સરકારે અમને તે મુજબ આપ્યું પણ ખરું અને અમારા આંદોલનનો ફાયદો બધાને થયો છે. સાથે જ હાર્દિક પટેલે આનંદીબેન પટેલને હકથી ફઇબા કહેતો હોવાની વાત પણ જણાવી હતી. સાથે જ કહ્યું કે આનંદીબહેન ચૂંટણી લડ્યા ત્યારે મારા પિતાજી ભાજપ પક્ષની સેવામાં જોડાયેલા જ હતા.
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું કે જ્યારે જ્યારે ધર્મની વાત આવી ત્યારે કોંગ્રેસના નેતા કોઇની સાથે ઉભા રહ્યા નથી. તો પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા હાર્દિક પટેલે કહ્યું કે તે કોંગ્રેસમાં હતા ત્યારે પણ ભાજપની કલમ 370 દૂર કરવાની બાબત તેમજ GST અને NRCની બાબતમાં ભાજપનું સમર્થન કર્યું હતું.
ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે પાટીદાર આનામત આંદોલનમાં થયેલા તોફાનો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં જે તોફાનો થયા તેના માટે હું જવાબદાર નથી. આ કામ અસામાજિક તત્વોએ કર્યું હતું. હાર્દિકે ભાજપમાં જોડાયા બાદ ભાજપના વખાણ કરતા અન્ય પક્ષોના નેતાઓને અનુરોધ કર્યો હતો કે ભાજપ દ્વારા થઈ રહેલા દેશ સેવામાં કામમાં અન્ય પક્ષના નેતાઓ પણ જોડાય. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે રાજ્યના 6.5 કરોડ લોકોની સેવા કરવાનો મોકો મળશે તો હું ખુશીથી તે કરીશ, હું જ્યાં હતો ત્યાં જનહીતનું કામ થતું નહોતું તેથી અહીં આવ્યો છું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતના વિશ્વગુરુ બનાવવા જે સહકાર આપી શકાય તે આપીશ.
નોંધનીય છે કે આજે બપોરે હાર્દિક પટેલે 12:39ના શુભ મુહૂર્તમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા , જેમણે હાર્દિક પટેલને ભગવી ટોપી પહેરાવી હતી.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે આ અંગે તમારું શું માનવું છે તે અંગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને તમારા વિચારો જણાવો
Published On - 1:24 pm, Thu, 2 June 22