Gujarat Weather: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બંદરો પર 1 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયુ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

|

Nov 07, 2021 | 7:43 PM

રાજ્યમાં સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં માવઠું પડી શકે છે.

GANDHINAGAR : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ 7 નવેમ્બરને રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં માવઠું પડી શકે છે.

માવઠું પડવાની આગાહીને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બંદરો પર ભયસુચક સિગ્નલ લગાવાયુ છે અને સાથે જ ગુજરાત મેરીટાઈમ બોર્ડે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. ખરાબ હવામાનના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠે એલર્ટ પણ અપાયું છે.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે. અમદાવાદ, ગાંધીનગર તથા ડીસામાં ઠંડી વધી રહી છે. આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Next Video