ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો (Chintan Shibir) શુભારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity ) કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો જોડાશે.
આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003 માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે.
એ જ રીતે, ચિંતન શિબિરનું આયોજન એક યા બીજા સ્વરૂપમાં અન્ય સરકારોએ અપનાવ્યું છે. ઓકટોબર 2022 માં કેન્દ્ર સરકારે રાજ્યોના ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર યોજી હતી. તો હાલમાં જ 11 મે ના રોજ કેન્દ્રના સામાજિક અને અધિકારિતા મંત્રાલયે પોતાના અધિકારીઓ માટેની ચિંતન શિબિર યોજી હતી.
17 મે ના રોજ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે નવી દિલ્હી ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. જેમ સ્વાગત કાર્યક્રમ કોઈ એક વ્યક્તિની અંગત સમસ્યાનું ત્વરિત સમાધાન આપે છે, એ જ રીતે, ચિંતન શિબિર આખા જન-સમુદાય માટે કોઈ વિષય પર વધુ સારું સમાધાન પૂરું પાડવાની તક આપે છે. આમ, કોઈ પહેલ પોતાના 20 માં વર્ષે પણ ચાલુ હોય અને અન્ય સરકારો દ્વારા પણ અપનાવાઈ હોય, એ વાત જ, એ પહેલ કેટલી સફળ છે અને લોક-ઉપયોગી બની રહી છે તેની ચાડી ખાય છે.
રોજબરોજના રાબેતા મુજબના કામમાં વ્યસ્ત રહીને ખાસ મુદ્દાઓ પર લાંબા ગાળાની યોજના બનાવવાનો ક્યારેક સમય રહેતો નથી. વળી, કોઈ એક કાર્ય- યોજના જે-તે વિભાગના અધિકારીઓ જ બનાવતા હોય છે, તેમાં અન્ય અધિકારીઓ કે તજજ્ઞોનો અભિપ્રાય લેવો પણ અઘરું બની રહેતું હોય છે, ત્યારે આવી ચિંતન શિબિર આ ખોટને પુરવાનું કામ કરે છે.
ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના નિત્યક્રમથી દૂર સ્વસ્થ ચિતે, ભેગા મળીને કોઈ એક વિષય પર સઘન મનોમંથન કરી શકે છે. આમ, ચિંતન શિબિર કેટલીય ઇનોવેટિવ પહેલની જનક બની શકે છે કે જે લોકોને જીવન જીવવાની સરળતામાં (Ease of Living)માં અનેક ગણો વધારો કરી આપે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:21 pm, Wed, 17 May 23