GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 કેસો નોંધાયા હતા, તો આજે નવા કેસો 500થી વધુ એટલે કે 548 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 265 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1902 પર પહોચ્યો છે.
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 265 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34 કેસ,આણંદમાં 23 કેસ નોંધાયા છે. પોરબંદરમાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,116 થયો છે.
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો, 26 ડિસેમ્બરે 177 કેસ, 27 ડિસેમ્બરે 204 અને ગઈકાલે 28 ડિસેમ્બરે 394 નવા કેસ નોંધાયા હતા. જયારે આજે કેસ વધીને 548 એટલે કે બમણા જેટલા નવા કેસો નોંધાયા છે. નવા વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 1420 હતા, જે આજે વધીને 1902 થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 65 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 487 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
રાજ્યમાં આજે ઓમિક્રોનના 19 નવા કેસ
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 19 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :
1) અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી એમ 8 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી 6 દર્દી વિદેશથી આવેલા છે અને 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
2) વડોદરા શહેરમાં 2 પુરુષ અને 1 સ્ત્રી એમ 3 ઓમિક્રોન કેસ નોંધાયા છે, આ ત્રણેય કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
3) સુરત શહેરમાં 5 પુરુષ અને 1 સ્ત્રી એમ 6 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે, જેમાં 2 દર્દી વિદેશથી આવ્યાં છે, જયરે 4 દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
4) આણંદમાં 2 પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ બંને વિદેશથી આવેલા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 19 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 97 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 41 દર્દીઓ રીકવર થયા છે.
આ પણ વાંચો : MORBI : નવયુગ વિદ્યાલયના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાળાને સાત દિવસ બંધ કરાઇ
આ પણ વાંચો : RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો
Published On - 7:31 pm, Wed, 29 December 21