Gandhinagar: રુપાલના વરદાયિની મંદિરમાં કેન્દ્રીય મંત્રીની 120 કિલો ચાંદીની રજત તુલા કરાશે, ચાંદી મંદિરના વિકાસ માટે અર્પણ કરાશે

રથયાત્રાના (Rathyatra) દિવસે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) રજત તુલા થવાની છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયિની માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Gandhinagar: રુપાલના વરદાયિની મંદિરમાં કેન્દ્રીય મંત્રીની 120 કિલો ચાંદીની રજત તુલા કરાશે, ચાંદી મંદિરના વિકાસ માટે અર્પણ કરાશે
Rupal Temple (File Image)
| Edited By: | Updated on: Jun 30, 2022 | 12:07 PM

ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાત (Gujarat) આવશે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 30 જૂને એટલે કે આજે સાંજે ગુજરાત આવવાના છે. 1 જુલાઇએ રથયાત્રાના દિવસે અમિત શાહ રૂપાલ અને વાસણ ગામના તળાવના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવાના છે. ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં આવેલા રુપાલ ગામમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની 120 કિગ્રા ચાંદીથી રજતતુલા પણ કરવામાં આવશે. રુપાલના વરદાયિની મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે રુપાલમાં અનેક વિકાસકાર્યો થશે.

અમિત શાહ અનેક કામોનું ખાતમુહૂર્ત કરશે

રથયાત્રાના દિવસે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની રજત તુલા થવાની છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયિની માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વરદાયિની માતાજી મંદિરનો વિકાસ કરવામાં આવશે, તેમજ આ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખીને ટુરિઝમ ક્ષેત્રે તેનો વિકાસ કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રા એટલે અષાઢી બીજના દિવસે રૂપાલ અને વાસણ ગામના તળાવના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરશે.

120 કિગ્રા ચાંદીનું દાન

1 જુલાઇના રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહને દાતાઓ દ્વારા તેમના વજન જેટલા ચાંદીથી તોલવામાં આવશે. આ ચાંદી અમિત શાહ મંદિરમાં દાન સ્વરૂપે અર્પણ કરશે. આ તમામ ચાંદીના રૂપિયા મંદિરના વિકાસ કાર્યમાં ખર્ચ કરવામાં આવશે. હાલમાં નવ જેટલા દાતાઓ દ્વારા 120 કિલોગ્રામ ચાંદી દાન સ્વરુપે આપવામાં આવ્યું છે.

આસ્થાના કેન્દ્ર સાથે પર્યટક સ્થળ બની રહેશે મંદિર

વરદાયિની મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ પટેલેને ટાંકીને કરાયેલા મીડિયા રિપોર્ટસ અનુસાર, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને તેમના સૂચન બાદ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આ મંદિરનો વિકાસ કરવામાં આવશે. આ યોજના થકી આ મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિત તમામ જરૂરિયાતને લક્ષમાં રાખી વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજના થકી વરદાયનિ માતાજીનું મંદિર દેશભરમાં આસ્થાના કેન્દ્ર સાથે એક પર્યટક સ્થળ બની રહેશે.

મહત્વનું છે કે ગાંધીનગરના જિલ્લાના રુપાલ ગામમાં આવેલું વરદાયિની માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં યોજાતો પલ્લી મહોત્સવ ખૂબ જ જાણીતો છે. આ ઉત્સવ દરમિયાન ગામના રસ્તાઓ પર હજારો કિલો ઘી વહેતુ જોવા મળે છે. આ મહોત્સવ જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો રુપાલ આવે છે. હવે વરદાયિની માતાજીના આ મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ થયો છે.