ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી ગઈ છે. આજે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત AAPના 6 મોટા નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે. તેમના પર ભાજપની મહિલા કાર્યકરો સાથે છેડતી કરવાનો અને માર મારવાનો આરોપ છે. ગઈકાલે ભાજપની મહિલા કાર્યકરે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાવેલી છે.
ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાવી છે. AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે. તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.
તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા હતા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હતો. સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો હતો. પોલીસે તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.