ગુજરાતમાં પેપરલીક અને ડમીકાંડ જેવા કૌભાંડોની હારમાળા વચ્ચે એક મહિનાની અંદર બીજી મોટી અને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ 8.64 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જે સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક સંખ્યા છે. તલાટીની પરીક્ષા માટે કુલ 2694 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષાની સૌથી ખાસ વાત એ છે કે જે ઉમેદવારોએ સહમતિપત્ર ભર્યા છે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. રાજ્યભરના ઉમેદવારો આ વખતે પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચી શકે અને તેમને રસ્તામાં કોઈપણ મુશ્કેલી ના પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવાઈ છે.
પરીક્ષા માટે સિનિયર અધિકારીઓ સહિત કુલ 64 હજારનો સ્ટાફ ફરજ બજાવશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપી. હસમુખ પટેલે જણાવ્યું કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ગેરરીતિ આચરનારાઓ સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તલાટીની પરીક્ષાને લઇને તમામ કેન્દ્રો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ કેન્દ્રો અને વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. જુનિયર કલાર્કની પરીક્ષાની જેમ જ તલાટીની પરીક્ષામાં પણ ઉમેદવારોની વીડિયોગ્રાફી થશે. ફરજ પર તેનાત પોલીસ કર્મચારીઓ પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે. જે ઉમેદવારોની તમામ ગતિવિધિઓનું રેકોર્ડિંગ કરશે.
જો કોઇ પરીક્ષાર્થી શંકાસ્પદ જણાશે તો તે પરીક્ષા આપી શકશે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રમાં જ તેની પૂછપરછ કરવામાં આવશે. જ્યાં સુધી તે ડમી ઉમેદવાર નથી એવી ખાતરી ન થાય ત્યાં સુધી તે પરીક્ષા કેન્દ્ર નહીં છોડી શકે. નિયમ મુજબ ઉમેદવારો પરીક્ષા ખંડની અંદર કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લઇ જઇ શકશે નહીં. ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પહેરી શકશે. ઉમેદવારોએ તેમના બૂટ-ચપ્પલ પણ પરીક્ષા કેન્દ્રની બહાર જ ઉતારવાના રહેશે. ઉમેદવારોના બૂટ-ચપ્પલ કાઢીને ચેકિંગ કરવામાં આવશે.
બપોરે 12-30 થી 1-30 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે. ઉમેદવારોએ 11.55 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે અને 1.30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ પોતાનો વર્ગખંડ છોડી શકશે નહીં. વિકલાંગ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે એ માટે તેમને તેના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે.
રાજ્ય અને જિલ્લાકક્ષાએ ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાના ઉમેદવારોને કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈનમાં સંપર્ક કરી શકશે. જેના નંબર વેબસાઇટ ઉપરાંત વ્હોટ્સએપ અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Surat: તલાટીની પરીક્ષાને લઈને એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયો
તલાટીની પરીક્ષાને લઇને એસ.ટી. નિગમ તેમજ રેલવે તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓેને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે રાજ્ય ST નિગમ દ્વારા 4,500 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે… જેમાં 500 જેટલી સ્પેશિયલ બસો મુકવામાં આવી છે.
આ ઉપરાંત 2000થી વધુ એક્સ્ટ્રા બસ પણ રાખવામાં આવી છે. ઉમેદવારો રિઝર્વેશન કરાવીને બસમાં મુસાફરી કરી શકે છે. બીજી તરફ પશ્ચિમ રેલવે દ્વારા 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને 7 વિવિધ શહેરમાં અવરજવર માટે ટ્રેનો મૂકવામાં આવી છે. ST વિભાગ દ્વારા દરેક ડિવિઝનના કંટ્રોલ રૂમ અને કમાન્ડ કંટ્રોલ રૂમ સેન્ટરના નંબરો આપવામાં આવ્યા છે કે જ્યાંથી ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત અંગેની માહિતી મેળવી શકશે.
Published On - 10:17 am, Sun, 7 May 23