ગુજરાત વિધાનસભામાં હાલ બજેટસત્ર ચાલી રહ્યુ છે. જેમાં આજે નાણાંમંત્રી કનુ દેસાઈ લેખિતમાં રાજ્ય પર રહેલા દેવા અંગેની વિગતો જાહેર કરી. નાણામંત્રીએ જણાવ્યુ કે હાલ રાજ્ય પર કુલ 3,20,812 કરોડનું દેવુ છે. વર્ષ 2021-21માં સરકારે દેવા પેટે રૂપિયા 22,023 કરોડ અને વ્યાજ પેટે 17,920 કરોડ મુદ્દલ પેટે ચુકવ્યા હતા. વર્ષ 2021-22માં સરકારે દેવા પેટે 23063 કરોડ વ્યાજ અને રૂપિયા 24,454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચુકવ્યા છે.
વિધાનસભામાં જાહેર દેવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ જણાવ્યુ છે કે હાલની સ્થિતિએ ગુજરાત સરકાર પર બાકી જાહેર દેવાનો આંકડો 3.20 લાખ કરોડ છે. આ દેવુ કોની કોની પાસેથી કરવામાં આવ્યુ છે તે પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યુ છે કે નાણાકીય સંસ્થા પાસેથી 17812 કરોડની લોન લેવામાં આવી છે. જેનુ વ્યાજ 2.75 ટકા થી 8.75 ટકા છે. રાજ્ય સરકારે સ્વીકાર્યુ કે રાજ્યમાં મોટા પ્રોજેક્ટ અને રાજ્યના વિકાસ માટે સરકાર દ્વારા લોન લેવામાં આવી હતી. જો કે કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે હોવાથી વર્ષ 2022-23ના દેવામાં ઘટાડો થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ જ પ્રમાણે સરકારે 2,64,703 કરોડની બજારની લોન લીધી છે. આ લોનનું વ્યાજ 6.68 ટકાથી 9.75 ટકા છે. સરકારે NSSF પાસેથી 28,497 કરોડની લોન લીધી હતી. જેનું વ્યાજ 9.50 ટકાથી 10.50 ટકા છે. જ્યારે કેન્દ્રીય દેવુ માત્ર 9799 કરોડ છે. જેનું વ્યાજ 13 ટકા સુધીનું હોય છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે છેલ્લા બે વર્ષમાં સરકારે 45,000 કરોડ રૂપિયા વ્યાજ ચુકવ્યુ છે. જ્યારે 42,374 કરોડ મુદ્દત ચુકવી છે. આ આંકડાઓને જોતા ચાલુ વર્ષના અંતે સરકારનું દેવુ 60 હજાર કરોડને પહોંચે તેવી ધારણા છે.
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં દેવુ વધવાના કારણો રાજ્ય સરકાર પાસે માગ્યા હતા. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યુ હતુ કે રાજ્યમાં વિકાસના આયોજનના કામો માટે જાહેર દેવા સંસાધન ઉભા કરવા તે સ્વીકાર્ય પદ્ધતિ છે. વાર્ષિક વિકાસના આયોજન ખર્ચની વૃદ્ધિ અનુસાર અને કાયદા હેઠળ નક્કી કરેલી મર્યાદાની અંદર રહીને રાજ્ય દ્વારા લોન લેવામાં આવે છે.
ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને પુછ્યુ હતું કે દેવું ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કેવા કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જાહેર દેવું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા મર્યાદા એટલે કે જીએસડીપીના 27.10 ટકાની સામે 16.50 ટકા છે. એટલે કે રાજય સકારે જીએસડીપીના 27.10 ટકા સુધી દેવું કરી શકે છે. જો કે તેની સામે રાજ્યનું દેવું જીએસડીપીના 16.50 ટકા છે. જેવાનો ઉપયોગ રાજ્ય દ્વારા મુડી ખર્ચમાં રાજ્યના વિકાસ અવિરત રીતે આગળ વધે તે રીતે કરવામાં આવે છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- ગાંધીનગર