ચાર પૈડાંના વાહનો અને સરકારી બસ આ માર્ગ પરથી અવર જવર કરી શકશે, ભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા
ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના રાંધેજા- બાલવા રોડનું રીસર્ફેસીંગનું (Road resurfacing)કામ હાલ પ્રગતિમાં છે. જે કામ પ્રગતિમાં હોવાથી આ માર્ગ પર ચાર પૈડાંના વાહનો અને સરકારી બસ સિવાયના તમામ મોટા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગરે જણાવ્યું છે કે, ગાંધીનગર રાંધેજા- બાલવા રોડનું (Randheja- Balwa Road)રેસર્ફેસીંગનું કામ પ્રગતિ હેઠળ છે. જે કામ અન્વયે રાંધેજાથી બાલવા તરફ ત્રણ લેયરમાં કામગીરી સામેલ કરવામાં આવી છે.
આ કામગીરી ખૂબ ઝડપી, ગુણવત્તાસભર અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે ચાર પૈડાના વાહનો અને સરકારી બસ સિવાયના તમામ મોટા ભારે વાહનોની આવનજવાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ટ્રાફિક નિયમન, પાર્કિગ વ્યવસ્થા તથા કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારું જાહેરહિતમાં ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ-33(1)(ખ)થી મળેલ સત્તાની રૂએ જાહેરનામાંની તારીખથી બે માસ સુધી એક તરફી માર્ગ પર વાહનોની અવર જવર થશે. તેમજ ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ માર્ગથી આગળ જવા માંગતા ભારે વાહનોએ રાંધેજા ચોકડીથી રાંધેજા- રૂપાલ – નારદીપુર સુધી ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ રાંધેજા – બાલવા જતા વાહનો રાંધેજા ચોકડીથી પેથાપુર ચોકડી- પીંપળજ-પીંડારડા-મુબારકપુરા- બાલવા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. ધેધું ચોકડીથી નારદીપુર થઇ આવતા વાહનોને તેરસાપરા ચોકડી તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
મહેસાણા- ગોઝારિયા તરફથી આવતા વાહનોને ધેધું ચોકડી ખાતેથી કલોલ તરફ ડાયવર્જન આપી સોજા- ગોલથરા-નારદીપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. માણસા તરફથી આવતા વાહનોને બાલવા ચોકડી ખાતે ડાયવર્ટ કરવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર કોઇપણ વ્યક્તિ સામે અધિનિયમ કલમ- 135ની પેટા કલમ- 3 તથા ભારતીય દંડ સંહિતા- 1860ની કલમ- 188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે અને આ જાહેરનામાની પ્રસિધ્ધ તારીખ 9 ફેબ્રુઆરી, 2022 થી બે માસ સુધી અમલમાં રહેશે, તેવું પણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામાં જણાવ્યું છે.
આ પણ વાંચો : Gir somnath જિલ્લામાં ઘઉં, ચણા સહિતનો શિયાળુ પાક ઓછો આવવાની ભીતિ, જાણો શું છે કારણ ?
આ પણ વાંચો : Surat : મંકી કેપ પહેરીને મોટરસાઇકલ પર મોબાઈલ અને ચેઇનની લૂંટ કરતા બે પકડાયા, બીજા 16 ગુના ઉકેલાયા
Published On - 5:41 pm, Mon, 14 February 22