વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે પોતાના હોમ સ્ટેટને પીએમ મોદી (PM Modi) વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar)થી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)ને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.
દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 2022ના બજેટમાં 2000 કિલોમીટર સુધીના રેલ નેટવર્કને ‘કવચ’ હેઠળ લાવવાની યોજના વિશે જાહેરાત કરવામાં આવી હતી અને માર્ચ 2022માં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું.
વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂ.100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અન્ય બે ટ્રેનો દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી કટરાની વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઓગષ્ટ 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક છે.