E Assembly : આજથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ચોમાસું સત્ર (monsoon session) મળવા જઇ રહ્યુ છે. જેમાં વિપક્ષ રાજ્યના પ્રજાના મહત્વના પ્રશ્નોને વિધાનસભામાં ઉજાગર કરશે. વિધાનસભા સત્રમાં કોંગ્રેસ વિવિધ મુદ્દા ઉઠાવશે. જેમાં ખેતી માટે અપાતી વીજળી, પાક વીમો, ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી રોજગાર માટેની માગ, ફિક્સ પગારના કર્મચારીઓના પેન્શનનો મુદ્દો, રાજ્યમાં વધી રહેલી ડ્રગ્સની બદી સહિતના મુદ્દાઓ ઉઠાવશે.
આ પણ વાંચો- Gandhinagar : ગુજરાત વિધાનસભા આજથી બની જશે ઇ-વિધાનસભા, રાષ્ટ્રપતિના હસ્તે થશે લોન્ચિંગ, જાણો શું થશે ફાયદા
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ થશે. જેમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઈવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે. આ ઉપરાંત ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ થશે. તો ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક અને OBC અનામત સંબંધિત સુધારા વિધેયક પણ રજૂ થવાના છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર હવે પરંપરાગત કાગળની કાર્યવાહીમાંથી બહાર નીકળીને ઈ-કલેવર ધારણ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બનશે. આજથી પ્રથમ વખત ગુજરાતની ઈ-વિધાનસભા મળવા જઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે.
તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતને લઈ મહત્વના સમાચાર છે. 27 ટકા ઓબીસી અનામતનું વિધેયક તૈયાર થઈ ગયું છે. મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક તૈયાર કરાયું છે. 15 સપ્ટેમ્બરે આ વિધેયકને કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.
વિધેયકમાં ગુજરાત પ્રોવિંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ 6માં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો