Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં OBC અનામતની માંગ સાથે આંદોલનનું મંડાણ થતું જોવા મળ્યું. કોંગ્રેસના નેજા હેઠળ OBC જન અધિકાર સમિતિ દ્વારા સ્વાભિમાન ધરણામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા. OBC સમાજને વસ્તી આધારિત બજેટની ફાળવણી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સહિતની માગ સાથે આંદોલનના મંડાણ કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતનું નિકંદન અને રાજ્યના બજેટમાં OBC સમાજને અન્યાયની લાગણી સાથે શરૂ થયેલ ‘ઓબીસી અનામત બચાવો’ આંદોલન ગાંધીનગરમાં ઘરણા સુધી પહોંચ્યું છે. સ્વાભિમાન ધરણામાં સમગ્ર રાજ્યમાંથી લોકો જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા સહિતના ઓબીસી નેતાઓ જોડાયા હતા..
ઓબીસી અનામત બચાવોની માંગણી સાથે આંદોલન ઉભું કરનાર અમિત ચાવડાએ ગઈકાલે ભાજપના OBC નેતાઓ અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકી, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ડૉ મહેન્દ્ર મુંજપુરા ને OBC સમાજના અધિકાર માટેના સ્વાભિમાન ધરણામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. જો કે ભાજપ સાથે સંકળાયેલ OBC નેતાઓએ તેનાથી કિનારો કર્યો છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે AAPમાં ભંગાણ યથાવત, AAP ગુજરાતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી જોડાયા કોંગ્રેસમાં
વિધાનસભા ચૂંટણીની જેમ કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં પણ OBC સમાજને સાથે લેવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં જાતિગત વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને સવર્ણ-14 ટકા, પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા, આદિવાસી-11 ટકા, મુસ્લિમો 9 ટકા છે. ભલે સરકાર વિકાસની વાતો કરે પરંતુ ચૂંટણી હંમેશા જ્ઞાતિ આધારિત સમીકરણને ધ્યાનમાં રાખીને જ લડાતી હોય છે. કોંગ્રેસ હંમેશા OBC, દલિત પાટીદાર, લઘુમતી સમુદાય પર દાવ રમે છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પણ KHAM થિયરી સાથે 1985માં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ હતો. જે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 156 બેઠકો જીતીને તોડી બતાવ્યો છે. રાજ્યમાં હાલ 52 ટકા મતદારો OBC સમાજમાંથી આવે છે. ગુજરાતમાં કોઈપણ પાર્ટીને સત્તાના સિંહાસન પર બેસાડવામાં OBC સમાજ કિંગમેકર રહ્યો છે ત્યારે જોવુ રહેશે કે કોંગ્રેસે લોકસભા પહેલા ખેલેલુ OBC કાર્ડ કેટલુ ફળે છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:31 pm, Tue, 22 August 23