મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનો પદભાર સંભાળ્યો હતો . તેમજ તેમની સાથે સાથે નવા મંત્રીઓએ પણ આજે પદભાર સંભાળ્યો હતો. આજે ડો. કુબેર ડિંડોરે શિક્ષણ પ્રધાન તરીકે પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો હતો. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બપોરે 12: 15 વાગ્યે પોતાનો ચાર્જ સંભાળશે. ઉપરાંત કુંવરજી હળપતિ તેમજ કુવરજી બાવળિયાએ પણ આજે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધીવત રીતે બીજી ટર્મ માટે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમણે પોતાની ઓફિસમાં પૂજન અર્ચન કર્યું હતું અને પોતાની ખુરશી પર બેસીને નવી ટર્મ માટેની જવાબદારી સંભાળી હતી. આ સમયે નવા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રીના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તેમજ નવા મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠ્વ્યા હતા. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ સંભાળ્યો ચાર્જ
સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મુખ્ય કાર્યાલય રહેશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા કનુભાઈ દેસાઈ અને ડો. કુબેર ડિંડોર સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બર નંબર 1માં કાર્યભાર સંભાળશે