
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તારીખ 23 ફેબુઆરીના રોજ પ્રારંભ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરશે.
પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે. તો બજેટ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાતીઓની નજર આ બજેટ ઉપર રહેશે કે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતીઓ માટે બજેટ 2023-24માં નવું શું લઇને આવશે. ખાસ કરીને ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે બજેટમાં શું નવું આપવામાં આવે છે.
ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું 560કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યુ હતું. જેમાં ગુજરાતમાં 12000 સુધીનો પગાર મેળવનારાઓને વ્યવસાયવેરામાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી. વર્ષ 2021-2022ની સરખામણીએવર્ષ 2022-2023ના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાઈ હતી. ગત વર્ષે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ હતું. જેમાં નાણાકીય વર્ષના અંતે રૂપિયા 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો.
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પણ મળશે અને કેબિનેટની બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે. બેઠકમાં ખાસ તો આગામી બજેટ તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આગામી ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્યમાં પાણી, ઘાસચારો, જળસંચય અને અટલ ભુજલ યોજના અંગે પણ ચર્ચા થઈ શકે છે. તે ઉપરાંત રાજ્યના વિવિધ સેક્ટરમાં થઈ રહેલા રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Published On - 10:56 am, Wed, 22 February 23