કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ આજે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનેે ફ્લેગ ઓફ કરાવ્યુ. ત્યારબાદ તેઓ પોતાના વતન માણસા પહોંચ્યા હતા. અહીં તેમણે વતનને કરોડોના વિકાસકામોની ભેટ આપી. અમિત શાહે માણસાથી ગાંધીનગરને જોડતા 80 કરોડના ખર્ચે તૈયાર થનાર ફોરલેન રોડ, માણસા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ ખાતમુહૂર્ત અને સબરજીસ્ટ્રાર કચેરી સહિતના કામોની ભેટ આપવામાં આવી. માણસામાં શાહે તેમના માતાની સ્મૃતિમાં નિઃશુલ્ક ભોજનાલયની શરૂઆત કરાવી. આ સાથે તેમણે સપરિવાર ગરીબ પરિવારો સાથે ભોજન લીધુ હતુ.
વતન માણસા પહોંચેલા અમિત શાહે નગરપાલિકાના સાંસ્કૃતિક હોલમાં લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિપક્ષી ગઠબંધન પર કટાક્ષ કર્યો કે હમણાં આ લોકો અવિશ્વાસનો મત લઈને આવ્યા હતા, જોકે મોદી સાહેબે એમને એવા ધોઈ નાખ્યા કે તેઓ સાંભળવા પણ ઉભા ના રહ્યા. હમણાં કોંગ્રેસ-યુપીએ વાળાઓએ નામ બદલ્યું છે પરંતુ આપણે એમને યુપીએ વાળા તરીકે જ ઓળખવાના. આપણે ત્યાં નામ એ પેઢી બદલે કે જે નબળી પડી હોય, કોંગ્રેસનું પણ આવું જ છે. કોંગ્રેસ અને યુપીએ ગઠબંધને સાથે મળી 12,000 કરોડના ગોટાળા કર્યા છે. આપણે ત્યાં જૂની કહેવત હતી કે નવી બોટલમાં જૂની શરાબ. જો કે કોંગ્રેસવાળામાં જૂની જ બોટલ અને જૂનો જ દારૂ છે. ગમે એવું ગઠબંધન કરે 2024 માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે.
અમિત શાહ માણસામાં કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાની સ્મૃતિમાં નિશુલ્ક ભોજનાલયની શરૂઆત કરાવી હતી. અમિત શાહ એમના પત્ની, પૌત્રી અને પુત્રવધુ સાથે તેમણે ગરીબ પરિવારો સાથે ભોજન લીધું હતું. અમિત શાહે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા અંગે જણાવ્યું કે હું ઇચ્છું છું કે દુનિયામાં કોઈ પણ ભૂખ્યું ના સુવે. હું આખી દુનિયાનું તો કંઈ ના કરી શકું પરંતુ મારા ગામ માણસામાં કોઈ વ્યક્તિ ભૂખ્યું ના સુવે એ માટે મેં માતાની સ્મૃતિમાં નિશુલ્ક ભોજન મળે એવી વ્યવસ્થા કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે હું ભલે દિલ્હી રહેતો હોઉ પરંતુ માણસાનો વિકાસ એ તમારી જેમ મારા માટે પણ ઘણો ગૌરવનો વિષય છે અને હું ઘણી સંતોષની લાગણી અનુભવુ છુ. તેમણે જણાવ્યુ કે માણસાએ મને અને મારા પૂર્વજોને ઘણુ આપ્યુ છે. આ તકે તેમણે માણસાની લાઈબ્રેરીનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે માણસાની લાઈબ્રેરી ન હોત તો આજે મારુ જીવન આવુ ન હોત. તેમણે લોકોને આહ્વાન કર્યુ કે મારી તમને સૌને વિનંતિ છે કે યુવાનોને લાયબ્રેરી સાથે જોડજો. કોઈપણ દેશનું ભવિષ્ય કેટલા બાળકો શાળાએ જાય છે તેનાથી નક્કી ન થાય પરંતુ કેટલા યુવાનો લાઈબ્રેરીમાં જાય છે તેના પરથી નક્કી થાય છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:01 pm, Sun, 13 August 23