ગાંધીનગર ના તત્કાલીન ક્લેકટર એસકે લાંગાએ કરોડોના જમીન કૌભાંડમાં સરકારની તિજોરીને મોટુ નુક્શાન પહોંચાડ્યુ હોવાની પોલીસ તપાસ ચાલી રહી છે. ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી. એસકે લાંગાને માઉન્ટ આબુ નજીકથી ઝડપ્યા બાદ તેમને રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન વધુ 7 દિવસના રિમાન્ડની તપાસ કરતા પોલીસ અધિકારીએ માંગ્યા હતા. કોર્ટે આરોપી પૂર્વ આઈએએસ અધિકારીને વધુ 4 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. આમ હજુ આગામી 21 જુલાઈ સુધી પૂર્વ અધિકારી લાંગા રિમાન્ડ પર રહેશે.
તપાસ દરમિયાન પોલીસને અનેક ખૂલાસાઓ થયા છે. એસકે લાંગાના આર્થિક વ્યવહારોના હિસાબો થી લઈને અનેક મહત્વના ખુલાસાઓ થયા છે. આ દરમિયાન તત્કાલીન અધિક ક્લેક્ટર અને ચિટનીશની પણ પૂછપરછ કરવા દરમિયાન તેમની પાસેથી પણ મહત્વની વિગતો પોલીસને હાથ લાગી છે.
માઉન્ટ આબુથી ધરપકડ કરાયા બાદ પોલીસ તેમને ગાંધીનગર લઈ આવી હતી. જ્યાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે મંજૂર કરેલ રિમાન્ડ દરમિયાન મહત્વની વિગતો તેમની પાસેથી મેળવી છે.તત્કાલીન નિવાસી અધિક ક્લેકટર અને ચિટનીશની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને પૂછપરછમાં કેટલાક વહિવટદારોના નામ સામે આવ્યા હતા. જે લાંગાની ફરજ દરમિયાન તેમનો વહિવટ સંભાળતા હતા. આ વહિવટદારોના નામ અને તેમના વહિવટના હિસાબો કોડવર્ડમાં લખેલા સામે આવ્યા છે.
પોલીસે જ્યારે તેમની ધરપકડ માઉન્ટ આબુથી કરી હતી. ત્યારે ત્યાં એક કાર પણ મળી આવી હતી. આ કાર આરોપી લાંગાના પુત્રના નામે નોંધાયેલી હોવાનુ તપાસમાં ખૂલ્યુ હતુ. આ કારની પોલીસે તલાશી લેતા તેમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે મોબાઈલમાંથી કેટલાક હિસાબો પણ મળી આવ્યા છે. આ હિસાબો કોડવર્ડમાં લખેલા હોવાનુ જણાયુ છે. આ સિવાય કેટલાક ડોક્યુમેન્ટ પણ મોબાઈલમાંથી મળી આવ્યા છે.
આ દરમિયાન ગાંધીનગર પોલીસ એક બેગને શોધી રહી છે, જે બેગ એસકે લાંગા સાથે રહેતી હતી. જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે એક બેગ તેમના સામાન સાથે અમદાવાદ પહોંચી હોવાનુ માનવામાં આવે છે. આ બેગમાં કેટલીક ડાયરીઓ હોવાનુ પોલીસનુ માનવુ છે. જેમાં કેટલીક રોકડ રકમ, ડોલર અને કેટલાક સીમકાર્ડ હતા. પોલીસ હવે આ બેગને રીકવર કરવા માટે પ્રયાસ કરી રહી છે.
તપાસમાં પોલીસ સમક્ષ એક વ્યક્તિનુ નામ સામેવી આવ્યુ છે. જેની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. અમદાવાદના નરોડામાં રહેતા નવનીત પટેલ નામના શખ્શની કેટલીક વિગતો પોલીસને રિમાન્ડ દરમિયાન હાથ લાગી છે. જેને લઈ પોલીસે વધુ વિગતો એકઠી કરવાનો પ્રયાસ કર્યો છે.
Published On - 7:40 pm, Mon, 17 July 23