Biporjoy Cyclone: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ ?
ગુજરાતના દરિયા કિનારે તારીખ 14 અને 15 જૂન 2023 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે, ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
Image Credit source: Google
Follow us on
Ahmedabad: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર 14 અને 15 તારીખે કચ્છમાં ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે દરેક દરિયાકીનારે પોલીસ ખડકી દેવામાં આવી છે, હાલ NDRFને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગુજરાત સરકાર અને PMO પણ સતત આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુસાર વાવાઝોડા પહેલા નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોના સંપર્કમાં રહેવું જોઈએ.
ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી જોઈએ.
જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો જોઈએ, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા જોઈએ, જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા જોઈએ.
કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ
વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું જોઈએ, ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા જોઈએ, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા જોઈએ, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.
ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો
આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઈજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા જોઈએ, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો જોઈએ, ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડવું જોઈએ નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા જોઈએ, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો