સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense) દર બે વર્ષે ડિફેન્સ એક્સ્પો (Defense Expo)નું આયોજન કરે છે. ત્યારે આ વખતે ગુજરાતના ગાંધીનગર(Gandhinagar)માં ડિફેન્સ એક્સ્પોનું આયોજન થવા જઈ રહ્યું છે. આ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે, સાથે જ અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ તેમાં ભાગ લે છે. ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો 2022ને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા 10થી 12 માર્ચે ત્રણ દિવસ ડિફેન્સ એક્સપો યોજાશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવીને આ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે. જે માટે આગામી 10મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે ડિફેન્સ એક્સ્પોમાં ટેન્ક અને મિસાઈલથી લઈને આધુનિક હથિયારોનું આ પ્રદર્શન થશે તેવી માહિતી મળી રહી છે.
આ પહેલા લખનઉમાં 5-9 ફેબ્રુઆરી, 2020ના રોજ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને 12 લાખથી વધુ લોકો તેને જોવા આવ્યા હતા. વર્ષ 2014 સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ વર્તમાન એનડીએ સરકારના સત્તામાં આવ્યા પછી હવે દરેક વખતે સ્થળ બદલાતુ રહે છે. આ એક્સ્પો 2016માં ગોવામાં, 2018માં ચેન્નાઈમાં અને પછી 2020માં લખનઉમાં યોજાયો હતો.
ડિફેન્સ એક્સ્પો 2020માં અનેક શસ્ત્રો લોન્ચ કરવામાં આવ્યા હતા તેમજ ભારતીય સંરક્ષણ ઉદ્યોગો દ્વારા વિકસિત નવા ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ 36 કિમીની રેન્જવાળી 155 મીમીની ‘શારંગ’ ગન, 100 મીટરની રેન્જની JVPC આલ્ફા ગન, 800 મીટરની રેન્જની લાઈટ મશીન ગન અને UGBL- અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર લોન્ચ કરી હતી. આ સિવાય ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) એ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ અમોઘા-3 લોન્ચ કરી હતી. ત્યારે આ વખતે પણ ડિફેન્સ એક્સ્પોમાં અનેક નવા આધુનિક હથિયારો જોવા મળવાની સંભાવના છે.
આ વર્ષે ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પોને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજયના મુખ્ય સચિવ સાથે ડિફેન્સ અધિકારીઓએ બેઠક પણ કરી. બીજી તરફ ઉદ્યોગ વિભાગ દ્વારા હોટેલ બૂકિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. ગાંધીનગર હોટેલ લીલા સહિત અમદાવાદની 90% હોટેલમાં બૂકિંગ શરૂ થઈ ગયુ છે. ટ્રાન્સપોર્ટમાં પણ 1000થી વધુ વાહનો હાલમાં બુક કરાયા છે.
આ પણ વાંચો- Vadodara: સાવલી કોર્ટે ગૌવંશના 5 આરોપીના જામીન નામંજૂર કર્યા, ખોટી રીતે દાખલો આપનાર સરપંચ સામે કાર્યવાહી થશે