Gandhinagar : ‘બીપરજોય’ વાવાઝોડાએ (Cyclone Biparjoy )ગુરૂવારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે થયેલી નુકસાનીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક જગ્યાઓ પર નુકસાન થયું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આજે ફરી એકવાર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operation Center) ખાતે મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી. જેમાં પ્રાથમિક વિગતોમાં રાજ્યમાં વાવાઝોડાથી એક પણ માનવ મૃત્યુ ના થયું હોવાનું સ્પષ્ટ કરાયું છે.
જોકે રાજ્યમાં પાંચ હજારથી વધુ વીજપોલ ધરાશાયી અને 581 વૃક્ષો પડ્યા હોવાની બાબતો પણ સામે આવી રહી છે. પ્રભાવિત જિલ્લાના કલેક્ટરને નુક્સાનીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવા પણ સૂચના અપાઈ.
આ પણ વાંચો- Rain in Jamnagar: જામનગરમાં વરસાદી માહોલ, જિલ્લામાં પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ-Video
બીપરજોય વાવાઝોડામાં અનેક જગ્યાઓ પર નુકસાન થયું છે. ફરી એકવાર સૌથી વધારે નુકસાની વીજ વિભાગને થઈ હોવાની પ્રાથમિક બાબતો સામે આવી રહી છે. જે મુજબ ભારે પવનના કારણે રાજ્યમાં 5,120 વિજપોલ ધરાશાયી થયા છે. જેને રિસ્ટોરેશનનું કામ કાલે વાવાઝોડા બાદ સતત ચાલી રહ્યું છે અને એક હજાર જેટલા વિજપોલ તો પુનઃ સ્થાપિત કરી દેવાયા છે. આ સિવાય 581 વૃક્ષો ધરાશાયી થયા છે. 474 કાચા મકાનોને નુકસાન અને 20 કાચા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે. 9 પાકા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા જ્યારે 2 પાકા મકાનોને નુક્સાની થઈ છે. આ સિવાય 65 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં કાલે મોડી રાત્રે વાવાઝોડાના કારણે 263 રસ્તાઓ પ્રભાવિત થયા હતા. અત્યારે હાલ માત્ર 3 રસ્તાઓ જ બંધ અવસ્થામાં છે. બાકીના તમામ રૂટ પુનઃ શરૂ થઈ ચૂક્યા છે.
બીપરજોય વાવાઝોડાની આટલી ભયાનકતા હોવા છતાં પણ રાજ્યમાં એકપણ માનવ મૃત્યુ ના થયું હોવાની સ્પષ્ટતા રાજ્યના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કરી છે. તેમને સ્પષ્ટ કર્યું છે કે પ્રભાવિત 8 જિલ્લાઓમાં વાવાઝોડાથી અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી થયું. જે તમામના સહિયારા પ્રયાસથી શક્ય બન્યું છે. વાવાઝોડાની ગંભીરતાને સમજી સમગ્ર રાજ્યમાં એક લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમને હવે લોકલ તંત્ર પુનઃ એમના નિવાસ સ્થાને જવાની મંજૂરી સ્થિતિને સમજ્યા બાદ સાંજે લેવાશે.
વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી સહિતના આઠ જિલ્લાઓમાં થઈ છે. ત્યારે ત્યાંના કલેકટરોને મુખ્ય સચિવે નુકસાની અંગેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી આજ સાંજ સુધી રજૂ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જે તે વિભાગના સેક્રેટરી ઉપસ્થિત રહી વિભાગ જનજીવન સામાન્ય બની રહે એ માટે કયા પ્રકારની કામગીરી કરી રહ્યો છે એ સંદર્ભે માહિતગાર કર્યા હતા અને ભવિષ્યના પ્લાનિંગ સંદર્ભે જાણ કરી હતી.