
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi)અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ગુજરાતના(Gujarat) ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (Dholera Green Field Airport)વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ. 1305 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આગામી 48 મહિનામાં પૂર્ણ કરવામા આવશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)ગુજરાતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા અને ગતિ આપનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનએ દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપતાં મલ્ટિમોડેલ કનેક્ટીવીટી અને પી.એમ ગતિશક્તિના ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઇ શકશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પલીમેન્ટેશન ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના સંયુકત સાહસ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ મારફતે સાકાર થવાનો છે.ધોલેરાનું આ સૂચિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનના કાર્ગો ટ્રાફિક હેન્ડલીંગ દ્વારા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનું કાર્ગો પરિવહન કરશે તથા અમદાવાદ એરપોર્ટના અન્ય વિકલ્પ તરીકે પણ ઉપયોગી થશે.અમદાવાદથી અંદાજે 80 કિલોમીટરના અંતરે આવેલું સૂચિત ધોલેરા એરપોર્ટ આગામી 2025-26 સુધીમાં કાર્યરત થવાનું આયોજન છે.
આ એરપોર્ટ શરૂઆતના તબક્કે વાર્ષિક ૩ લાખ પેસેન્જરનું વહન કરશે જે ભવિષ્યના બે દાયકામાં-20 વર્ષમાં વાર્ષિક 23 લાખ પેસેન્જર સુધી પહોચવાનો અંદાજ છે.
એટલું જ નહિ, 2025-26 માં વાર્ષિક 20 હજાર ટન કાર્ગો ટ્રાફિક વહન ક્ષમતા પણ 20 વર્ષમાં વાર્ષિક 2,73,000 ટન પહોચે તેવી ધારણા છે.મુખ્યમંત્રીએ ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયુકત બનશે તે અંગે પણ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો છે
Published On - 6:39 pm, Tue, 14 June 22