
ગુજરાત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રના માળખાને વધુ મજબૂત બનાવવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર નજીક કરાઈ ખાતે રૂ. 1,450 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ એક જ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં રમતગમતનાં મેદાનો, ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા અને તાલીમની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
પ્રસ્તાવિત કરાઈ સ્પોર્ટ્સ એકેડમીમાં એથ્લેટિક્સ સ્ટેડિયમ, ઇન્ડોર શૂટિંગ રેન્જ અને મલ્ટીપર્પઝ વેઇટલિફ્ટિંગ એરેના બનાવવામાં આવશે. આ તમામ સુવિધાઓ ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને નેશનલ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓ માટે પણ થઈ શકશે.
રાજ્ય સરકારે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે માટે અલગ-અલગ તબક્કામાં સમયમર્યાદા નક્કી કરી છે. 10 મીટર, 25 મીટર અને 50 મીટરની ઇન્ડોર શૂટિંગ રેન્જનું કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે. જ્યારે એથ્લેટિક્સ સ્ટેડિયમ અને વેઇટલિફ્ટિંગ એરેના માટે 30 મહિનાની સમયમર્યાદા રાખવામાં આવી છે. આ ઉપરાંત, કેમ્પસના બાકીના વિકાસકાર્યો 36 મહિનામાં પૂર્ણ કરવાના રહેશે.
પ્રોજેક્ટના કામમાં વિલંબ ન થાય તે માટે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. નિર્ધારિત સમયમર્યાદા કરતાં મોડું કામ પૂર્ણ થાય તો પ્રતિદિન 0.05% દંડ વસૂલવામાં આવશે, જે મહત્તમ 10% સુધી હોઈ શકે છે. બીજી તરફ, સમય પહેલાં કામ પૂર્ણ કરનાર એજન્સીને પ્રતિદિન 0.015% બોનસ આપવામાં આવશે, જે મહત્તમ 3% સુધી રહેશે.
આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે જે એજન્સી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ડિઝાઇનિંગ અને બાંધકામ કરશે, તે જ એજન્સી આગામી 7 વર્ષ સુધી તેની જાળવણી અને સંચાલનની જવાબદારી પણ સંભાળશે. તેમાં રમતગમતની સુવિધાઓ, વીજળી, પ્લમ્બિંગ, ફાયર સેફ્ટી, સફાઈ, સુરક્ષા, પાર્કિંગ, લેન્ડસ્કેપિંગ અને રમતગમતનાં સાધનોની જાળવણીનો સમાવેશ થાય છે.
એજન્સીને કરવામાં આવતી ચુકવણી તેની કામગીરી સાથે જોડવામાં આવશે. નક્કી કરાયેલા માપદંડો (KPI) પૂર્ણ ન થાય તો માસિક સર્વિસ ફીમાં 10% સુધીની કપાત થઈ શકે છે. કરાઈ ખાતેનો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાત માટે લાંબા ગાળાની રમતગમત સંપત્તિ સાબિત થઈ શકે છે. તેનાથી રાજ્યના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમની સુવિધા મળશે અને નવી પ્રતિભાઓને આગળ વધવાની તક મળશે. સાથે જ ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ યોજવાનો માર્ગ પણ વધુ મજબૂત બનશે.