આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:43 PM

આ બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે.

GANDHINAGAR : ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે. બેઠકમાં સાચા આદિવાસી કોણ આ અંગે કેટલાક સૂચનો સરકારે સ્વીકાર્યા છે. સાથે જ છેલ્લું નોટિફિકેશન રદ નહીં થાય તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. આ મુદ્દે TV9એ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે પણ કહ્યું કે, સાચા આદિવાસીને અન્યાય ન થાય તે માટે બેઠકમાં ચર્ચા કરાઈ છે.

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યાં હતા. આદિવાસીઓને આદિજાતિ પ્રમાણપત્ર અંગે અશ્વિન કોટવાલે રોષ ઠાલવતા કહ્યું હતું કે સરકારે આદિવાસીઓને આદિજાતિના દાખલા માટે 7/12 નો ઉતારો અને પેઢીનામું ફરજિયાત કર્યું છે, આના માટે સ્ટેમ્પ સહીતના ખર્ચા પણ થાય છે, જે આ ગરીબ આદિવાસીઓને પોસાય તેમ નથી. જે પહેલેથી સાચા આદિવાસી છે તેમને આ બધા પપ્રમાણો રજૂ કરવાની જરૂર શું કામ પડે.

કોણ સાચા આદિવાસી અને કોણ ખોટા એ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે સરકારના નવા આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલને આ અંગે ઘણું જ્ઞાન છે અને એમણે આ મુદ્દે ઘણો અભ્યાસ પણ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે નરેશ પટેલ પણ આ મુદ્દે સતત રજૂઆતો કરતા આવ્યાં છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે કહ્યું છે કે તેમના વિભાગના અધિકારીઓને આ અંગે કાર્યવાહી કરવા જણાવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

આ પણ વાંચો : નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો