Amreli :અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા.
આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
દર્દીઓનુ કહેવુ છે કે ઓપરેશન બાદ બીજા દિવસે પાટો ખોલ્યા બાદ તેમને કંઈ દેખાતુ ન હતુ. કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ હતી કે તેમની યાદ શક્તિ પણ જતી રહી હતી . રોશની ગુમાવેલા કેટલાક દર્દીઓને રાજકોટ, કેટલાકને અમદાવાદ અને કેટલાકને ભાવનગર સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. દર્દીઓના સ્વજનનો સીધો આરોપ હતો કે મહિલા તબીબે આ તમામ દર્દીઓનુ ઓપરેશન કર્યુ હતુ અને ઓપરેશન બાદ તેમને દેખાતુ બંધ થયુ છે.
આ તરફ અમરેલી સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ જણાવે છે કે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને સ્વકાળજી લેવાની હોય છે. જેમા તેઓએ બેદરકારી દાખવી હતી. જેનાથી આંખનું ઈન્ફેક્શન ફેલાયુ હતું. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ લુલો બચાવ કરી રહ્યા છે. જો કે એ માની શકાય કે કોઈ એક દર્દીએ ઓપરેશન બાદ બેદરકારી રાખી હોય પરંતુ શું 12 જેટલા દર્દીઓએ સામૂહિક બેદરકારી દાખવી અને તેના કારણે તેમને આંખમાં ઈન્ફેક્શન થયુ અને અંધાપો આવ્યો છે.