ગુજરાતમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત 57 હજાર કરોડના પ્રોજેક્ટ કાર્યરત: કનુ દેસાઈ

રાજ્ય સરકારના ઊર્જા, પેટ્રોકેમિકલ અને નાણા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં રૂપિયા 57 હજાર કરોડના કુલ 75 પ્રોજેક્ટ પ્રગતિમાં છે.

ગુજરાતમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત 57 હજાર કરોડના પ્રોજેક્ટ કાર્યરત: કનુ દેસાઈ
Minister Kanu Desai
| Edited By: | Updated on: May 06, 2022 | 7:10 PM

રાજ્ય સરકારના ઊર્જા, પેટ્રોકેમિકલ અને નાણા વિભાગના મંત્રી કનુ દેસાઈએ (Minister Kanu Desai) જણાવ્યું છે કે, સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં રૂપિયા 57 હજાર કરોડના કુલ 75 પ્રોજેક્ટ પ્રગતિમાં છે. જેમાંથી રૂપિયા 8900 કરોડના કુલ 13 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારના સાગરમાલા કાર્યક્રમે ગુજરાતના મેરીટાઈમ સેક્ટરને આગવું બળ પૂરું પાડ્યું છે.

મંત્રી કનુ દેસાઈએ નવી દિલ્હી ખાતે નેશનલ સાગરમાલા એપેક્સ કમિટીની ત્રીજી બેઠકમાં સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે, ગુજરાત કાર્ગો હેન્ડલિંગની બાબતે દેશભરમાં પ્રથમ છે. ગુજરાતના મત્સ્યોદ્યોગને વિકસિત કરવા રાજ્ય સરકારે મોટા ફિશ લેન્ડિંગ સેન્ટર, ફિશ પ્રોસેસિંગ સેન્ટર જેવી વિવિધ પહેલ પણ કરી છે. સાગરમાલા પ્રોગ્રામ હેઠળ નવી પહેલો અને ખાસ કરીને દરિયાકાંઠે વસતા સમુદાયોના સર્વગ્રાહી વિકાસની સમીક્ષા કરવા માટે સાગરમાલા એપેક્સ કમિટીની આ ત્રીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે ગુજરાતના નોન-મેજર પોર્ટ સુધી પહોંચવા પોર્ટ કનેક્ટિવિટીને વધુ અપગ્રેડ કરવામાં વધુ માર્ગદર્શન આપતા રહેવા માટે વિનંતી કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સાગરમાલા પ્રોગ્રામ હેઠળ 3,200 કરોડના 47 નવા પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે, જેમાં રેલ-રોડ કનેક્ટિવિટી, ફિશ પ્રોસેસિંગ સેન્ટર, ફિશ લેન્ડિંગ સેન્ટર, પ્રવાસન અને સી-પ્લેન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અલંગ ખાતે શિપ રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 39857 કામદારોને ગુજરાત મેરીટાઇમ બોર્ડે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપી છે. દેશનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ લોથલ ખાતે રૂપિયા 3,150 કરોડના બજેટ ફાળવણી સાથે વિકસાવવામાં આવી રહ્યું છે.

સાથે જ કહ્યું કે, મધ્ય પૂર્વ, આફ્રિકા અને યુરોપ સાથે ભારતને જોડતું સૌથી નજીકનું દરિયાઈ સ્થળ ગુજરાત છે અને સૌથી વધુ સંખ્યામાં કાર્યરત વ્યાપારી બંદરો પણ ગુજરાત ધરાવે છે. ગુજરાત ભારતના લગભગ 40% કાર્ગોનું સંચાલન કરે છે અને દરિયાકાંઠાના શિપિંગનો ઉપયોગ કરીને પરિવહન કરાયેલા કુલ કાર્ગોમાં લગભગ 18% યોગદાન આપે છે. બંદર-આધારિત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ (SIR), સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ (SEZ) અને મુખ્ય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાજરીથી ગુજરાતના દરીયાઇ કાંઠેથી કાર્ગોની અવરજવરને પ્રોત્સાહક માહોલ મળ્યો છે.