ગુજરાતમાં શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા 21 હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી છે.
ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા 21 હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મંત્રીએ કહ્યું કે, માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2021 સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. 30 એપ્રિલ 2022 સુધીમાં રાજયમાં લગભગ 21 હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે 21 હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 10 હજાર નવા વર્ગખંડો બાંધવા તથા 21 હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ 2022 દરમ્યાન નવા 1968 વર્ગખંડોનું બાંધકામ તથા 3990 વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની 45 યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD)પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી ‘Digi Locker’પર વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરી દેવાઇ
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ.
મંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ૪૫ જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી(NAD)પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે.
રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે.