જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાનાયુવાનોને ભારે પડ્યા હતા. કાર વહેણમાં તણાવા લાગતા કારમાં સવાર એક વ્યક્તિને રેસ્ક્યુ કરવો પડ્યો હતો. સ્થાનિકોની મદદથી આ વ્યક્તિને બચાવી કિનારે સલામત ખસેડવામાં આવ્યો હતો.
શ્રાવણ મહિનામાં ગુપ્ત તીર્થ જંબુસર તાલુકાના કાવી – કંબોઈ સ્થિત સ્તંભેશ્વરમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. વડોદરાથી SUV કાર લઈ 5 થી 7 પરપ્રાંતીય યવવાં આવ્યા હતા. જેઓએ તિર્થ સ્થાનની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ સમુદ્ર કિનારે મોજમસ્તી કરી હતી.
આ યુવાનોએ સમુદ્રના પાણીમાં SUV કાર સાથે દરિયા કિનારે ફુલસ્પીડમાં હંકારી કરતબો શરૂ કરી દીધા હતા. અન્ય સ્થાનિક શ્રદ્ધાળુઓ સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી કારને કિનારે દોડાવી સ્ટંટ કરવા સાથે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જોકે સમુદ્ર દેવ સાથે આ યુવાનોને SUV ના ફિલ્મી સ્ટંટ કરવાનું ભારે પડતા જીવ પડીકે બંધાયા હતા.
સંધ્યા કાળ અને પૂનમની ભરતીના કારણે દરિયાના વધતા જળસ્તરમાં કાર ફસાતા જોખમી કરતબ કરતો કાર ચાલકનો જીવ પણ પડીકે બંધાયો હતો. સાથે રહેલા અન્ય યુવાનોની મસ્તી હવે કાર અને જીવ ઉપર આફતમાં ફેરવાઈ ગઈ હતી. દરિયાના વધતા પાણી, કીચડમાં કાર ફસાતા હવે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સ્થળ પર હાજર પોલીસ અને સ્થાનિકોએ કાર નજીક દોડી જઇ અંદર સવાર અને કરતબો કરી રહેલા યુવાનને હેમખેમ બહાર કાઢી લીધો હતો. પાણી ઉતરતા દરિયા કિનારે ફસાઈ ગયેલી કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી. સ્તંભેશ્વરના મહંત વિદ્યાનંદજીએ જણાવ્યું હતું કે SUV કાર લઈ વડોદરાથી 5 થી 7 યુવાનો આવ્યા હતા જેમની સાથે આ ઘટના બની હતી.
આ દરિયા કિનારે કાર સાથે પાણીમાં જોખમી કરતબો કરી રહ્યાં હતાં. કાર ફસાઈ જતા કરતબ કરનાર યુવાન ફસાયો હતો. જેને સ્થાનિક લોકો અને પોલીસે કારમાંથી બહાર કાઢી બચાવી લીધો હતો. આ યુવાનોના નામ જાણવા મળ્યા નથી પરંતુ વિડીયો બનાવવા આવા જોખમી કરતબો કરવા જોઈએ નહીં તેવી મહંતે અપીલ કરી હતી વધુમાં ઉમેર્યું હતું કે આનાથી તેમના અને અન્યના જીવ જોખમમાં મુકાવા સાથે મોટી હોનારત સર્જાઈ શકે છે.
આ પણ વાંચો : બે જાંબાઝોએ અઢી કરોડની લૂંટના કારસાને નિષ્ફ્ળ બનાવ્યો, લૂંટારુઓએ કર્યું ફાયરિંગ પણ ટસના મસ ન થયા, જાણો શું છે ઘટના
આ પણ વાંચો : નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરિંગ, એક મુસાફર ઈજાગ્રસ્ત
Published On - 4:55 pm, Tue, 24 August 21