ધોરાજી-ઉપલેટામાં વરસાદ ખેંચાતા ઘાસચારો મોંઘો, પશુ આહારના ભાવ આસમાને પહોંચતા પશુપાલકો મુશ્કેલીમાં

ધોરાજી અને ઉપલેટા પંથકમાં વરસાદ ખેંચાતા પશુપાલકોની ચિંતામાં મોટો વધારો થયો છે. વરસાદ મોડો પડવાને કારણે ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે, જેના લીધે બજારમાં ઘાસચારા અને પશુ આહારના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક તરફ મોંઘા ભાવનો ઘાસચારો અને બીજી તરફ દૂધના મર્યાદિત ભાવને કારણે પશુપાલકો માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.

ધોરાજી-ઉપલેટામાં વરસાદ ખેંચાતા ઘાસચારો મોંઘો, પશુ આહારના ભાવ આસમાને પહોંચતા પશુપાલકો મુશ્કેલીમાં
Image Credit source: AI Generated
| Updated on: Jul 29, 2026 | 8:41 PM

ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં ચાલુ વર્ષે વરસાદ મોડો પડવાના કારણે ઘાસચારાના ઉત્પાદનમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ઘટતાની સાથે જ સ્થાનિક બજારમાં ઘાસચારાની ભારે માંગ ઊભી થઈ છે, જેના પરિણામે તેના ભાવમાં સતત અને તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ જે ઘાસચારો ₹60 થી ₹70 પ્રતિ મણના ભાવે મળતો હતો, તેના ભાવ હવે વધીને ₹120 થી ₹130 પ્રતિ મણે પહોંચી ગયા છે.

માત્ર લીલો કે સૂકો ઘાસચારો જ નહીં પરંતુ પશુ આહારના અન્ય મુખ્ય ઘટકો જેવા કે કપાસિયા ખોળ, ભૂસું અને રાજદાણાના ભાવમાં પણ કમરતોડ વધારો થયો છે. સ્થાનિક પશુપાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ ₹1,200 પ્રતિ મણ મળતો કપાસિયા ખોળ હવે સીધો ₹2,200 પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યો છે.

દૂધના ભાવ વધારવા પશુપાલકોની માંગ

મોંઘવારીના મારથી ત્રસ્ત પશુપાલકોનું કહેવું છે કે, હાલમાં તેમને દૂધના પ્રતિ લિટર માત્ર ₹50 થી ₹60 જેટલો જ ભાવ મળી રહ્યો છે. પશુ આહાર અને ઘાસચારાના હાલના આસમાને પહોંચેલા ભાવને જોતા દૂધનો ભાવ ઓછામાં ઓછો ₹100 પ્રતિ લિટર મળવો જોઈએ. જો દૂધના ભાવમાં વધારો નહીં થાય તો પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જશે.

બીજી તરફ ઘાસચારાના વેપારીઓનું પણ માનવું છે કે, આ વર્ષે મોસમનો વરસાદ ખેંચાતા ઘાસચારાનું વાવેતર ખૂબ ઓછું થયું છે. વાવેતર ઘટવાથી માર્કેટમાં પુરવઠો ઓછો થયો છે અને સામે માંગ વધુ હોવાથી ભાવમાં આ ઉછાળો આવ્યો છે.

એક તરફ વરસાદની અનિશ્ચિતતા અને બીજી તરફ ઘાસચારા તેમજ પશુ આહારના મોંઘા ભાવ, આ બંને પરિબળો વચ્ચે ધોરાજી અને ઉપલેટા પંથકના પશુપાલકો હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતમાં ચોરી કરવા માટે રાજસ્થાનના મંદિરમાં માનતા રાખતી અનોખી તસ્કર ગેંગ ઝડપાઈ, 5 આરોપીઓની ધરપકડ

Follow Us