દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં એક વર્ષ બાદ ફરી દાદાનું ગેરકાયદે કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ છે. યાત્રાધામ બેટ દ્વારકામાં માં આજથી મેગા ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી છે. જેમા મંદિરે જતા યાત્રિકો માટે પ્રવેશબંધી કરી અંદાજે 70 જેટલા દબાણો હટાવી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. ડિમોલિશન ડ્રાઈવ દરમિયા પાલિકાની દબાણ હટાવ ટીમ સહિત 1000 થી વધુ પોલીસ જવાનોનો કાફલો, PGVCLના કર્મચારીઓ હાજર રહ્યા હતા. બપોર સુધીમાં 70 જેટલા બિન અધિકૃત બાંધકામો, મકાનો અને દુકાનો દૂર કરવામાં આવી છે. તેમજ ગૌચરની જમીન પર કરાયેલા દબાણો પણ હટાવવામાં આવ્યા છે.
આ બિનઅધિકૃત દબાણો કરાયેલી જગ્યા ખાલી કરવા માટે તંત્ર દ્વારા એક મહિના અગાઉથી જ લોકોને નોટિસ આપવામાં આવી હતી. આ ડિમોલિશન ડ્રાઈવ અંગે tv9 દ્વારા SP નિતેશ પાંડેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SPના જણાવ્યા અનુસાર બેટદ્વારકાના બાલાપર વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ગેરકાયદે દબાણો પર ડિમોલિશન કરવામાં આવ્યુ છે. જેમા 1000 પોલીસકર્મીઓને બંદોબસ્તમાં તૈનાત રખાયા હતા. આ સાથે SRP જવાનો અને દરિયાઈ પેટ્રોલિંગ પણ શરૂ છે. જે દબાણો દૂર કરાયા તે મોટાભાગના રહેણાંક અને કોમર્શિયલ સ્ટ્રક્ચર હતા.
દ્વારકામાં હાથ ધરાયેલા મેગાડિમોલિશનના આપ અહીં આકાશી દૃશ્યો જોઈ શકો છે. દૂર દૂર સુધી જ્યા જોઈ નજર પડે ત્યાં સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બેટ દ્વારકા સહિત ઓખા મંડળ પંથકમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે. દ્વારકાના અવળપરા વિસ્તાર અને રૂપેણ બંદરના શાંતિ નગર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા 250 જેટલા આસામીઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દ્વારકામાં એક વર્ષ અગાઉ પણ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધથરાઈ હતી. જેમાં કાંઠા વિસ્તારમાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ હાલ અનેક સ્થળોએ લોકોએ ફરી દબાણ ઉભા કરી દેતા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે નોંધનિય છે કે જ્યા સુધી નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં જ્યાં ડ્રાઈવ ચાલી રહી છે ત્યાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનોની આવનજાવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
દ્વારકા જિલ્લા પ્રશાસને આ ડિમોલિશન ડ્રાઈવ પહેલા સરવે કામગીરી કરી તમામ લોકોને નોટિસ મોકલી એક મહિનાની મુદ્દત આપી હતી. આ મુદ્દત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદે ધાર્મિક, રહેણાંત અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડિમોલીશનની પ્રક્રિયા બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગેરકાયદે દબાણ નહીં થવા દીએ. બેટ દ્વારકા સાથે દેશભરના લોકોની આસ્થા જોડાયેલી છે. બેટ દ્વારકામાં કોઈ અતિક્રમણ નહીં ચલાવી લેવાય. આસ્થા અને સંસ્કૃતિની રક્ષાની જવાબદારી અમારી છે. જ્યારે કામગીરી હાથ ધરાઈ તે સમયે બેટ દ્વારકામાં યાત્રિકો માટે જવાની મનાઈ ફરમાવી હતી. જોકે મંદિર મા સેવા પૂજા રાબેતા મુજબ રહી હતી.
Input Credit Manish Joshi, Divyesh Vayeda- Dwarka
Published On - 5:51 pm, Sat, 11 January 25