દરિયાઇ સુરક્ષા (Coastal Security)ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ છેલ્લા ત્રણ દિવસથી દેવભુમિ દ્વારકા (Dwarka)ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દુર કરવામાં આવી રહ્યા છે. એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે કોમર્શિયલ, રેસિડન્સ અને વિવાદી સ્થળોને દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે આ કામગીરી કરતા પહેલા પોલીસ સામે મોટો પડકાર હતો. રાજકોટ રેન્જના IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન બનાવવામાં આવ્યો અને અચાનક જ શનિવારે સવારથી આ કામગીરી શરૂ કરવામાં આવી.
સામાન્ય રીતે કોઈપણ ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે, ત્યારે ત્યાં ઘર્ષણ થવાની શક્યતાઓ વધી જતી હોય છે તેવા સમયે પોલીસ દ્વારા આ ડિમોલેશનમાં ઘર્ષણ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકાના SP નિતેશ પાંડેય અને DySP સમીર સારડા દ્વારા ડિમોલિશન પહેલાના ત્રણ દિવસ બાઈકમાં આ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ આવેલા છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલા પોલીસ જવાનોની જરૂરિયાત રહેશે, પોલીસની સાથે કઇ કઇ અન્ય ચીજવસ્તુઓ જોઈશે, આ તમામ માહિતી એકત્ર કરીને ફુલપ્રુફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે અને વિશ્વભરના હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે પોલીસ માટે મોટો પડકાર એ હતો કે મંદિર કે મંદિરે દર્શને આવતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાઈ ત્યારથી જ બોટફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી, દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો, જેના કારણે બેટ દ્વારકાની મુખ્ય બજારો પણ બંધ રહી હતી. જે ટીમ તૈયાર કરવામાં આવી તેમાં વાહન વ્યવહારની વ્યવસ્થા ટીમ, જે ટીમમાં કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની વ્યવસ્થા, મંદિર આસપાસ બંદોબસ્ત વ્યવસ્થા, મુખ્ય બજારોમાં બંદોબસ્તની વ્યવસ્થા, એરિયા નિરીક્ષણ ટીમ-જે ડિમોલેશન પહેલા સ્થળની ચકાસણી કરીને વ્યવસ્થા ઉભી કરે, ડિમોલેશન ટીમ સાથે તૈનાત પોલીસ જવાનો-જે કોઈ ડિમોલેશન દરમિયાન અડચણ ઉભી ન થાય તેની તકેદારી રાખે.
ડિમોલેશન બાદ બંદોબસ્ત ટીમ આ ઉપરાંત મેડિકલ ટીમ-જો ડિમોલેશન દરમિયાન કોઈ વ્યક્તિને ઈજા પહોંચે અથવા તો અડચણ ઉભી થાય તો તેના માટે હોસ્પિટલમાં એક ટીમ તૈનાત કરાઈ. આ ઉપરાંત જે પોલીસ જવાનો તૈનાત કરાયા છે તે પોલીસ જવાનો માટે રહેવા પાણી અને જમવાની વ્યવસ્થા માટે અલગ ટીમ ઉભી કરવામાં આવી. આમ અલગ અલગ કામો માટે SPના સુપરવિઝન હેઠળ કુલ 18 ટીમ તૈનાત કરવામાં આવી છે.
ડિમોલિશનની આ કામગીરી કરતા પહેલા તમામ તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા. મેડિકલ,પીજીવીસીએલ,ફાયરબ્રિગેડ સહિતની ટીમોને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈનાત રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં માછીમારી ઉધોગ સાથે જોડાયેલા લોકોની વસ્તી બેટની કુલ વસ્તીના 80 ટકા છે અને મોટાભાગના ગેરકાયદે બાંધકામો આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા માટે હેલમેટ, લાઠીઓ, ટીયરગેસના સેલ, સેફ્ટી જેકેટ, SRPની હથિયારધારી પલાટુન રાખવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસનું ખાસ વ્રજ વાહન પણ તૈનાત કરાયું છે. કોઈપણ વ્યક્તિને કામ સિવાય બહાર ન નીકળવા માટેનો બિનસત્તાવાર આદેશ અપાયો છે, લોકોના ટોળા એકત્ર ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી.
રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ કાર્યવાહીનું સુપરવિઝન ઉચ્ચ કક્ષાએથી થતું હોવાનું પણ સૂત્રોનું કહેવું છે. ગૃહ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં આ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે જે પૈકી ગીર સોમનાથ,દેવભુમિ દ્વારકામાં અને હવે પોરબંદરમાં પણ આ કાર્યવાહી ચાલું છે. દરિયાઈ પટ્ટી પર માછીમારીના ધંધા સાથે થતી હેરાફેરીમાં ડ્રગ્સ માફિયાઓને આશ્રય ન મળે તે હેતુથી આ કાર્યવાહી કરાઈ હોવાનું પણ પોલીસ સૂત્રોનું કહેવું છે.