Devbhoomi Dwarka : સમગ્ર દેશ જ્યારે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે. ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસ્કૃતિક અમૃત યાત્રા” (Cultural Program)શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આગામી તારીખ 28 માર્ચે , સાંજે 6:30 વાગ્યે (Shivrajpur Beach)શિવરાજપુર બીચ, દ્વારકા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક – દિગ્દર્શક નિસર્ગ ત્રીવેદી તથા શિલ્પા ઠાકરે , એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે. જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે. જેમાં જુનાગઢના નુપુર કલાવૃન્દ, પોરબંદરના મેર રાસ મંડળ તથા પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મીગ આર્ટ દ્વારા વિવિધ કૃતિઓ રજુ થશે.
કોરોનાકાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.આગામી તારીખ 28 માર્ચના રોજ શિવરાજપુર બીચ, દ્વારકા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કલાકારો રાગીણી પંચાલ અને હિમાંશુ ચૌહાણ તથા જાણીતા કલાકારો ઇશાની દવે તથા હાર્દિક દવે પોતાના સ્વરો રેલાવશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ છે તેવા જાણીતા લેખિકા તથા વક્તા કાજલ ઓઝા વૈદ્ય પોતાની આગવી શૈલીમાં આઝાદી ને લગતી કેટલીક વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાત ના જાણીતા લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરશે.
આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, દેવભૂમિ દ્વારકા જીલ્લા વહીવટી તંત્ર, દ્વારકા નગર પાલિકા, માહિતી વિભાગ, પોલીસ વિભાગ સહિત જીલ્લા ના પ્રાભારી, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો સહકાર મળ્યો છે.આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 28 માર્ચ સાંજે 6:30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ જિલ્લા વાસીઓનોને ઉપસ્થિત રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશ રાવલિયા દ્વારા હાર્દિક નિમંત્રણ છે.
આ પણ વાંચો : પાટણ : અપુરતા વીજ પુરવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા, ખેડૂતોનો પાક સંકટમાં
Published On - 6:31 pm, Sun, 27 March 22