
ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રે 10:02 કલાકે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાપુતારા સહિત આહવા, સાકરપાતાળ અને ગલકુંડ વિસ્તારમાં પણ ધરતી ધ્રૂજી હોવાની માહિતી સામે આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા અનેક લોકો સુરક્ષિત રહેવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભૂકંપના આંચકાની અસર સાપુતારા સહિત ડાંગના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ હતી. આંચકા દરમિયાન ઘરની દીવાલો અને બારીઓ ધણધણી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને સાપુતારામાં પ્રવાસીઓ પણ ગભરાઈને હોટેલની બહાર આવી ગયા હતા.
ISRના અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ અક્ષાંશ 20.470° ઉત્તર અને રેખાંશ 73.689° પૂર્વ પર નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ 5.6 કિ.મી. હતી. ભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 14 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમ (SSW) દિશામાં, મહારાષ્ટ્ર રાજ્યની હદમાં હોવાનું જણાવાયું છે.
ડાંગની એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા વિદ્યાર્થીઓને સાવચેતીના ભાગરૂપે મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા. અચાનક ધરતી ધ્રૂજતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
દરમિયાન, ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના નાશિક નજીક હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભૂકંપની ચોક્કસ તીવ્રતા, ઊંડાઈ અને કેન્દ્રબિંદુ અંગે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
હાલમાં ડાંગ જિલ્લામાં ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની સત્તાવાર માહિતી સામે આવી નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ અંગે સત્તાવાર અહેવાલ જાહેર થયા બાદ વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ગભરાટ ન ફેલાવવા તેમજ ભૂકંપ સંબંધિત કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને સત્તાવાર સ્ત્રોતો દ્વારા મળતી માહિતી પર જ આધાર રાખવા અપીલ કરવામાં આવે છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 39 પોઝિટિવ કેસ, 23 મોત નોંધાયા