ડાંગ : ડાંગ જિલ્લા(Dang District)ના વિવિધ વિસ્તારમાં કેન્દ્રીય સિંચાઈ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ 2100 થી વધુ કૂવા(Well)ઓના બાંધકામમાં ઈજારદાર દ્વારા ઉપયોગમાં લેવાતા મટીરીયલ બાબતે અનેક વાર મૌખિક ફરિયાદ ઉઠી હતી આ મુદ્દે તાજેતરમાં એક વિડિઓ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે જેને લઈને ફરી એકવાર સિંચાઈ યોજના (Irrigation scheme)ના કુવા વિવાદમાં આવ્યા છે. ડાંગના ગરીબ આદિવાસી ખેડૂતોને પડતી સિંચાઈ અંગેની તકલીફને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના 311 ગામોમાં કુલ 2100 થી વધુ કુવાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જોકે કરોડો રૂપિયાની આ યોજના મુજબ નિર્માણ થઈ રહેલા કુવાઓના બાંધકામમાં જેતે ઈજારદાર(Contractor) દ્વારા તકલાદી સિમેન્ટ, માટી યુક્ત રેતી, તેમજ કુવાની ઊંડાઈ અને પહોળાઈ બાબતે લાભાર્થી ખેડૂતોએ કલેકટર , ધારસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ને અનેક વાર મૌખિક ફરિયાદ કરી હતી.
ખેડૂતોએ કરેલી ફરિયાદ મુજબ કોન્ટ્રાકટર દ્વારા 17 ફૂટના કૂવામાં પાણી દેખાતા વધુ ઊંડાઈ કરવામાં આવતી નથી જ્યારે કેટલીક જગ્યાએ 30 ફૂટ ઊંડાઈ છતાં ત્યાં પાણી નીકળતું નથી સાથે કુવાના બાંધકામમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ નથી, લાભાર્થી ખેડૂતોને કુવાના બાંધકામ અને તેની સાથે સોલાર પેનલ અંગે પણ કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી નથી તેવી ફરિયાદ છે. અત્યાર સુધી થતી મૌખિક ફરિયાદ ને લઈને ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલે સ્થાનિક ધારસભ્ય સહિત કલકેટર અને અન્ય સંબંધિત અધિકારીઓ ને સાથે રાખી સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું અને જો કોઈ ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવુ આશ્વાસન પણ આપ્યું હતું.
પ્રધાનમંત્રીના પાઇલોટ પ્રોજેકટ બાબતે કોઈ ગેરરીતિ ન થાય અને ડાંગની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પાણી નો સંગ્રહ થાય એ રીતે કુવા બને તે માટે નિર્માણ કરનાર એજન્સી ને સૂચના આપી હતી તેમછતાં આટલી મોટી યોજનામાં ખામી રહી હોય તે સાબિત કરતો એક વિડિઓ વાયરલ થયો છે, આ વિડિઓ આહવા તાલુકના ચનખલ ગામનો છે જ્યાં લાભાર્થી ખેડૂતના પરિવાર ના સભ્યને કુવાના બાંધકામ માં વપરાયેલ મટીરીયલ યોગ્ય ન લાગતા તેની મજબૂતી તપાસવા કૂવાની દીવાલને લાત મારતા આ દીવાલ ખુબજ આસાનીથી તૂટી જતી દેખાય છે.
આ વિડિઓ બનાવનાર મધુકરભાઈ ભોયે છે જેમના પરિવારને ફાળવેલા કુવામાં પરિવારના સભ્ય સાથે કોઈ હોનારત ન થાય એ બાબતે તેઓ ચિંતામાં હતા, મધુકરભાઈ એ બનાવેલ વિડિઓ બાદ કોટ્રાક્ટર એ ઉપરની દીવાલ ફરી બનાવી આપી પોતાની ભૂલ સ્વીકારી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કુવાની ગુણવત્તાને દર્શાવતો વિડિઓ વાયરલ થતાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીતે કોન્ટ્રકટર અને અધિકારીઓની એક મીટીંગ બોલાવી છે અને જરૂર પડે કુવાઓના નિરીક્ષણ માટે પણ ગામોમાં ફરી ને તપાસ કરવાની વાત કરી છે.
નોંધ- આ વાયરલ વિડિયોની સત્યતાની પુષ્ટી ટીવી9 નથી કરી રહ્યુ